• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ગુજરાતના મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તાબડતોબ દિલ્હી દોડયાં

રાજકીય નવાજૂનીના એંધાણ

 

અમદાવાદ, તા.10: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ ગુજરાત ભાજપના તમામ મહામંત્રીઓ તાબડતોબ દિલ્હી દોડી ગયા છે. આમ સરકાર અને સંગઠનના ટોચના નેતાઓના દિલ્હીમાં ધામાને લઈને અનેક ચર્ચાઓએ વેગ પકડયો છે. શું કંઈ રાજકીય નવાજૂની થવા જઈ રહી છે તેવો ગણગણાટ પણ ઉઠ્યો છે.

ગાંધીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી જવા રવાના થયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારથી જ દિલ્હી પહોંચી ગયા હતા. ગુજરાતના ભાજપના તમામ મહામંત્રીઓ પણ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. એક તરફ રાજ્યમાં દેશભક્તિનો માહોલ છે તો બીજી તરફ વહીવટી અને સંગઠનાત્મક બાબતોને વેગ આપવા માટે ભાજપ નેતૃત્વ દિલ્હી પહોંચ્યું હોય તેવું લાગે છે. દિલ્હીમાં ગુજરાતના નેતાઓનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિલ્હીમાં ગુજરાત ભાજપના ટોચના નેતાઓ અને સાંસદોની ડિનર માટિંગ યોજાશે. આ માટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ સામેલ થશે. બન્ને ગૃહના ભાજપના સાંસદો આ બેઠકમાં હાજર રહેશે. આ પ્રવાસને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં ગુજરાત ભાજપના નેતાઓની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે અને મોવડીમંડળ પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક