પાઠ્યપુસ્તક મંડળ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાર
(અમારા પ્રતિનિધિ તરફથી ) અમદાવાદ,
તા. 20: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
દ્વારા ખાનગી શાળાના વિદ્યાર્થીઓના હિતમાં તેમજ વાલીઓની સરળતા માટે વિદ્યાર્થીલક્ષી
પહેલ કરવામાં આવી છે. જે હેઠળ આ કરાર હેઠળ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા
પ્રસિદ્ધ તમામ માધ્યમ અને ધોરણોના પાઠ્યપુસ્તકો એમેઝોન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
પાઠ્યપુસ્તકો વધુ સરળતાથી, પારદર્શક
રીતે અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં
આજે ગાંધીનગર ખાતે પાઠ્યપુસ્તક મંડળ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન સાથે ઐતિહાસિક
સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. વાજાએ કહ્યું કે ડિજિટલ યુગમાં ગુજરાત સરકારે ‘ઈઝ ઓફ
એજ્યુકેશન’ની દિશામાં એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. ‘ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધી’ના ઉદ્દેશ્ય
સાથે વિદ્યાર્થીઓને ભૌતિક પાઠ્યપુસ્તકો કોઈપણ પ્રકારની હાલાકી વિના પોતાના ઘરઆંગણે
જ મળી રહે તેવા આશયથી મંડળે એમેઝોન સાથે આ મહત્વપૂર્ણ કરાર કર્યા છે. આ નવીન પહેલના
પરિણામે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જરૂરિયાત મુજબ એમેઝોન પ્લેટફોર્મ પરથી સંબંધિત
ધોરણના પાઠ્યપુસ્તકો સરળતાથી ઓનલાઇન ઓર્ડર કરી શકશે.
શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે,
ગુજરાતમાં શિક્ષણનું મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે. 100 ટકા નામાંકન અને સુવિધાસભર
શાળાઓના નિર્માણ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ છેવાડાના બાળક સુધી પહોંચાડવા અમારી સરકાર
કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓ કે વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ડિલિવરી ચાર્જ લીધા વિના માત્ર
પુસ્તક પર છાપેલી નિયત કિંમતે જ ઘરે બેઠા પુસ્તકો પહોંચાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા
વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો ઉપરાંત, જે વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવાની જરૂરિયાત
હોય તેઓ હવે બુક સ્ટોર પર ગયા વગર સીધા ઓનલાઇન ઓર્ડર કરી શકશે.