• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

શાપરમાં ઘર પાસે રમતા 3 વર્ષના બાળકનું સ્કૂલ બસ અડફેટે મૃત્યુ

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે જ બસ ચાલકની બેદરકારીના પુરાવા એકત્રિત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ, તા.20 : રાજકોટના શાપર વિસ્તારમાં આવેલા ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રાખી કારખાનામાં મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડયું છે. શ્રમિક પરિવારનો 3 વર્ષનો માસૂમ પુત્ર ઘર બહાર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો, તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક સ્કૂલ બસના ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી બાળકને પોતાની અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે માસૂમ બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ કરુણ ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શાપર પોલીસ મથકનો કાફલો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર સ્કૂલ બસને કબજે કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગંભીર રીતે ઘાયલ થયેલા 3 વર્ષના માસૂમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ સારવાર શરૂ કરે તે પૂર્વે જ માસૂમે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર બાળક બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. અચાનક બનેલી આ હૃદયદ્રાવક ઘટનાથી શ્રમિક પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

માસૂમ બાળકના કરુણ મૃત્યુ મામલે પોલીસે કડક રૂખ અપનાવ્યો છે. અકસ્માત સર્જનાર સ્કૂલ બસના ચાલક સામે ગુનો નોંધવા માટેની તજવીજ પોલીસે હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે જ બસ ચાલકની બેદરકારીના પુરાવા એકત્રિત કરીને કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી જવાબદાર સામે યોગ્ય ન્યાયિક પગલા લઈ શકાય.

 

ઇ-પેપરના નવા શુલ્ક