મોપેડમાં પેટ્રોલ ખૂટી જતાં ધક્કો મારતી વખતે છાતીમાં દુ:ખાવો ઉપડયો;
હોસ્પિટલ પહોંચતા તબીબોએ મૃત જાહેર કર્યો
જેતપુર,
તા.26 : જેતપુર શહેરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ટયુશનથી ઘરે પરત ફરી રહેલા ધોરણ-10માં
અભ્યાસ કરતા 15 વર્ષીય પૂર્વ દિવ્યેશભાઈ મહાલિયાનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ
નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ત્રણ ભાઈઓ વચ્ચેના એકના એક પુત્રના અકાળે
મૃત્યુથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડયો છે.
મળતી
માહિતી મુજબ, ટયૂશન પૂર્ણ કરીને પૂર્વ પોતાના મિત્ર સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો.
રસ્તામાં અચાનક મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. જેથી પૂર્વ અને તેનો મિત્ર મોપેડને
પગપાળા ધક્કો મારીને લઈ જઈ રહ્યા હતા. દરમિયાન શારીરિક શ્રમ કરતાં પૂર્વને અચાનક છાતીમાં
તીવ્ર દુખાવો ઉપડયો હતો અને તે રસ્તા પર ઢળી પડયો હતો. પૂર્વને રસ્તા પર પડેલો જોઈ
તેની સાથેના અન્ય વિદ્યાર્થીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેઓ તેને સારવાર માટે
નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, સવારનો સમય હોવાથી ત્યાં તબીબ ઉપલબ્ધ ન
હોવાથી તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબોએ
તપાસ બાદ પૂર્વને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, પૂર્વનું હૃદય અગાઉની
બીમારી અથવા જન્મજાત કારણસર માત્ર 30 ટકા જેટલું જ કાર્ય કરતું હતું. તબીબોએ તેને શારીરિક
શ્રમ અને ભારે મહેનતથી દૂર રહેવાની સલાહ આપી હતી. મોપેડમાં પેટ્રોલ ખૂટી જતાં નાછૂટકે
કરેલો શારીરિક શ્રમ તેના માટે જીવલેણ સાબિત થયો હોવાનું પરિવારજનોનું કહેવું છે.