• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

સૌરાષ્ટ્રમાં જળસંકટથી ખેડૂતોની હાલત કફોડી

ભાદર ડેમમાં માત્ર 23 ટકા પાણી, પોરબંદરમાં દુષ્કાળ જાહેર કરવાની માગ

ખંભાળિયામાં પાણીના અભાવે ખેડૂતે ઉભા મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું

રાજકોટ, તા.26: સૌરાષ્ટ્રમાં વરસાદે હાથતાળી આપતા જળસંકટની સાથે ખેડૂતોની ચિંતા પણ ઘેરી બની છે. ક્યાંક ડેમમાં પીવાના પાણી જેટલો જ જથ્થો બચ્યો છે તો ક્યાંક બોર-કૂવા તળિયે પહોંચી ગયા છે. ભાદર ડેમમાં માત્ર 23 ટકા પાણી બચ્યું હોવાથી સિંચાઈ માટે પાણી છોડવાનો ઇનકાર કરાયો છે, જ્યારે પોરબંદરમાં 75 દિવસથી વરસાદ ન પડતાં દુષ્કાળ જાહેર કરવાની માગ ઉઠી છે. બીજી તરફ ખંભાળિયાના લાલપરડા ગામે પાણીના અભાવે ખેડૂતે લીલોછમ મગફળીનો ઉભો પાક ટ્રેક્ટરથી ખેડી નાખતાં સૌરાષ્ટ્રના ખેડૂતોની વેદનાની ગંભીર તસવીર સામે આવી છે.

જેતપુર : સૌરાષ્ટ્રના મહત્ત્વના ભાદર ડેમમાં 34 ફૂટની કુલ સપાટી સામે હાલ આશરે 18.5 ફૂટ પાણી છે. ડેમની 6648 એમસીએફટી જળસંગ્રહ ક્ષમતા સામે આશરે 1584 એમસીએફટી એટલે કે 23 ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાય છે. હાલનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યો છે અને માર્ચ સુધી પીવાના પાણીની જરૂરિયાત પૂરી થાય તે માટે સિંચાઈ માટે પાણી છોડવાની શક્યતા નકારી કાઢવામાં આવી છે. ભાદર ડેમ પરથી જેતપુર, રાજકોટ, ખોડલધામ અને અમરનગર જૂથ યોજના સહિતના વિસ્તારોની આશરે 20 લાખની વસ્તીને પીવાનું પાણી મળે છે. ઉપરાંત 73 કિલોમીટર લાંબી કેનાલ નેટવર્ક મારફતે બે જિલ્લાના 46 ગામની આશરે 26,842 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળે છે. વરસાદ ખેંચાતા મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને બચાવવા ખેડૂતો બે પાણીની  માગ કરી રહ્યા છે. ડેમ સાઇટના ઈજનેર એન.બી. સિંધલના જણાવ્યા મુજબ, નિયમ મુજબ માર્ચ સુધી પીવાના પાણી માટે જરૂરી જથ્થો અનામત રાખવો ફરજિયાત હોવાથી હાલ સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.

પોરબંદર : જિલ્લામાં વરસાદના અભાવે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે. ભારતીય કિશાન સંઘના ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય નાગાજણ સુધાભાઈ જેઠવાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના 152 ગામને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. જિલ્લામાં ચોમાસામાં માત્ર આશરે દોઢ ઇંચ એટલે કે 35 મીમી વરસાદ નોંધાયો છે અને 75 દિવસથી નોંધપાત્ર વરસાદ થયો નથી. વરસાદના અભાવે ખેતરોમાં પાક નિષ્ફળ ગયો છે, જ્યારે ડેમ અને ચેકડેમ પણ ખાલી થઈ રહ્યા છે. ખેડૂતો તથા પશુપાલકો માટે ઘાસચારા અને પીવાના પાણીની અછત ઊભી થઈ છે. ભારતીય કિશાન સંઘે ખેડૂતોના પાક ધિરાણ અને તેના વ્યાજની સંપૂર્ણ માફી, એક વર્ષ માટે કૃષિ વીજ કનેક્શનના વીજ બિલમાં રાહત, ગ્રામ્ય તથા સીમ વિસ્તારમાં ટેન્કર કે પાઇપલાઇન મારફતે પીવાનું પાણી અને પશુઓ માટે પાણીના અવેડા તથા ઘાસચારાની વ્યવસ્થા કરવાની માગ કરી છે.

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદની અછતની ગંભીર અસર જોવા મળી છે. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે ખેડૂત ડુવા મશરીભાઈ આહીરે પાણીના અભાવે પોતાની ઉભી મગફળીનો પાક કાઢી નાખવા ખેતરમાં ટ્રેક્ટર ફેરવ્યું હતું. મશરીભાઈએ આશરે અઢી મહિના પહેલાં મગફળીનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ પૂરતો વરસાદ ન પડતાં તેમનો બોર પણ ખાલી થઈ ગયો અને પાકને પાણી આપી શકાય તેવી સ્થિતિ રહી નહોતી. મગફળીનો પાક લીલોછમ હોવા છતાં પાણીના અભાવે સુકાવાની સ્થિતિમાં પહોંચતાં તેમણે ભારે વેદના સાથે ટ્રેક્ટર ચલાવી પાક કાઢી નાખ્યો, જેથી ઓછામાં ઓછો ચારો પશુઓને મળી શકે. ખેડૂતે સરકાર પાસે બાકીના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવાની તેમજ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માગ કરી છે. ખંભાળિયા વિસ્તારમાં સામાન્ય રીતે સારો વરસાદ થતો હોવા છતાં આ વર્ષે અત્યાર સુધી અત્યંત ઓછો વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક