• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

કોડિનારમાં 100 વર્ષ જૂની ગોળની પેઢી સામે છેતરાપિંડીની ફરિયાદ

ચારથી સાડા ચાર કરોડના બાકીદારો હોવાનો દાવો, ગોળના વેપારને લઈને લેણદારોમાં ચકચાર

કોડિનાર, તા. 26: કોડિનાર શહેરની આશરે 100 વર્ષ જૂની અને ગોળના કમિશનના વ્યવસાય સાથે સંકળાયેલી એ.સી. એન્ડ કુ. પેઢી સામે લેણદારોની ફરિયાદ પોલીસ સુધી પહોંચતા વેપારી વર્તુળમાં ચકચાર મચી છે. પેઢી પર આશરે ચારથી સાડા ચાર કરોડ રૂપિયા જેટલી રકમ બાકી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છ જેટલા કેસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોર્ટમાં ચાલી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ પેઢીની ત્રીજી પેઢીમાં અમિત ચંદુલાલ જાની, ભાવેશ ચંદુલાલ જાની અને હેમાંગ ચંદુલાલ જાની વહીવટ કરતા હતા. વર્ષ 2024થી પેઢી દ્વારા રાબડાવાળાઓ પાસેથી ગોળની ખરીદી કરવામાં આવી હતી. વેપારીઓને સમયાંતરે મુદત આપવામાં આવી હોવા છતાં બાકી રકમ ચૂકવવામાં આવી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મિલકત વેચીને નાણાં ચૂકવવાની ખાતરી આપ્યા બાદ પણ ચૂકવણી ન થતાં લેણદારો દ્વારા લાંબી લડત ચલાવવામાં આવી હતી.

ફાચરિયા ગામના રાયસીંગભાઈ જેસીંગભાઈ ઝાલાએ કોડિનાર પોલીસ મથકમાં છેતરાપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રૂ.25,52,065ની કિંમતના 2,400 ડબ્બા ગોળના નાણાં ચૂકવાયા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક વેપારીઓ પાસેથી પણ ગોળ ખરીદીના નાણાં ચૂકવાયા ન હોવાની રજૂઆતો થઈ છે. સમગ્ર મામલે કોડિનાર પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક