18 બેન્ક ખાતામાં 1598 કરોડના
વ્યવહારો :
પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ્સ,
દોઢથી પોણા બે લાખ લોકો સીધા રોકાણમાં જોડાયા
અમરેલી, તા.17 : ગુજરાત સહિત
અન્ય રાજ્યોના લોકોને ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતર અને ઊંચા કેશબેકની લોભામણી
જાહેરાતો આપીને એસડી પે અને અપના પે એપ્લિકેશન દ્વારા આશરે રૂ. 634 કરોડનું ફૂલેકું
ફેરવનાર ચકચારી સાયબર કૌભાંડમાં અમરેલી સાયબર ક્રાઇમ અને એસઆઇટી ટીમે મોટી સફળતા મેળવી
છે. પોલીસે વધુ 3 મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી આ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
અમરેલી એસપી સંજય ખરાતે જણાવ્યું
હતું કે, અગાઉ આ કેસમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સૂત્રધારોને ઝડપી
પાડવા માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ધવલ ગાવિંદ પટેલ, હિરેન મુકેશ
શાહ અને ભાવેશ અરાવિંદ ધનેચા નામના ત્રણ માસ્ટરમાઇન્ડ્સને ઝડપી લેવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 9 આરોપી પોલીસ પકડમાં આવ્યા
છે.
આરોપીઓએ સંગઠિત કાવતરું રચીને
સામાન્ય લોકોને એપ મારફતે દૈનિક ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. તપાસમાં
સામે આવ્યું છે કે મુખ્ય આરોપીએ પોતાના રેફરલથી પ્રથમ લેવલમાં જ 271 લોકોને જોડયા હતા
અને ત્યારબાદ આગળના લેવલોમાં રેફરલ કરાવીને અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને આ એપ્લિકેશન
સાથે જોડીને રોકાણ કરાવાયું હતું. પ્લે સ્ટોર પર આ એપ્લિકેશનના 10 લાખથી વધુ યુઝર્સ
હોવાનું પણ ખૂલ્યું છે.