• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

અડધી રાત્રે તાળું તોડી વાહન કબજે ન લઈ શકે ફાયનાન્સ કંપની ઃ સુપ્રીમ

લોન વસૂલાત મામલે ફાયનાન્સ કંપનીની કાર્યવાહીની મર્યાદા સ્પષ્ટ કરતી સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હી, તા. 17 દેશની સર્વોચ્ચ અદાલતે લોનની વસૂલાતના મામલે ફાયનાન્સ કંપનીઓની કાર્યવાહીની મર્યાદા સ્પષ્ટ કરતા મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઋણદાતા સંસ્થાને ગીરવે રહેલા વાહનને કબજામાં લેવાનો અધિકાર હોઇ શકે છે પણ કાયદો હાથમાં લઈને કાર્યવાહી કરી શકે નહી. અદાલતે એક ટ્રક માલિકના કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે, કોઈપણ નોટિસ કે ઉચિત પ્રક્રિયા વિના અને અડધી રાત્રે વાહનનું તાળું તોડીને તેને કબજે લેવું ખુબ અયોગ્ય છે. કોર્ટે સંબંધિત ફાયનાન્સ કંપનીને વળતર તેમજ વેચાણની રકમ પરત કરવા પણ આદેશ આપ્યો હતો. કેસ એક વ્યાવસાયિક ટ્રક માટે 2019માં લેવામાં આવેલી લોન સંબંધિત હતો. ટ્રક માલિકે એક ફાયનાન્સ કંપની પાસેથી વાહન ખરીદવા લોન લીધી હતી. બાદમાં 2021માં વધુ લોન આપવામાં આવી હતી. રેકોર્ડ અનુસાર હપ્તાની ચુકવણીમાં ચૂક થયા બાદ કંપનીએ 2020માં ટ્રક પોતાના કબજામાં લીધો હતો. જો કે થોડો સમય બાદ પરત કર્યો હતો. તેમ છતાં ચુકવણીમાં અનિયમિતતા યથાવત્ રહેતા કંપની તરફથી નોટિસ જાહેર કરવામાં આવી હતી. અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા તથ્ય અનુસાર 2023માં રાત્રીના એક વાગ્યે અજ્ઞાત લોકોએ ટ્રકનું સ્ટીયરિંગ લોક તોડીને ટ્રક લઈ ગયા હતા. બાદમાં માલિક દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પ્રવૃત્તિ પછી નોટિસ મળી હતી   કે કંપની ટ્રકને પોતાના કબજામાં લઈને વેચી ચૂકી છે. વધુમાં ઉપરની રકમ પણ ટ્રક માલિકને ચુકવી નહોતી. જેના કારણે કેસ દાખલ કરાવાયો હતો.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરબીઆઈ દ્વારા વસૂલાત માટે જાહેર કરેલા દિશાનિર્દેશોનો ઉલ્લેખ કર્યો હતો. અદાલતે કહ્યું હતું કે, કરજની વસૂલાત માટે કોઈપણ પ્રકારનું ઉત્પીડન, મોડી રાત્રે સંપર્ક કે શક્તિનો  પ્રયોગ થવો જોઈએ નહી. માટે કાયદાને હાથમાં લેવો જોઈએ નહી. કેસમાં ઋણ સમજૂતીની ધારા 11 ઉપર પણ ગંભીર ટિપ્પણી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે ચુકવણીમાં ચૂક થતા કોઈપણ નોટિસ વિના કરજદારનો વાહન ઉપર અધિકાર પુરો થાય છે. બીજી તરફ સાત દિવસની નોટિસની જોગવાઈ પણ છે. અદાલતે કહ્યું હતું કે, કાયદો ફાયનાન્સ કંપનીને એકતરફી અધિકાર આપે છે અને નિષ્પક્ષતાની કસોટીમાં કાયદો ખરો ઉતરતો નથી

ઇ-પેપરના નવા શુલ્ક