• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

મોદી કેબિનેટમાં ફેરબદલનાં ફરી એંધાણ !

મંત્રીઓને દિલ્હી ન છોડવા આદેશ, 23-24 સપ્ટેમ્બરે ચિંતન બેઠક

નવી દિલ્હી, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 અને 24 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીઓ સાથે બે દિવસીય મહત્ત્વપૂર્ણ ‘ચિંતન બેઠક’ યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં દેશમાં સુધારાઓ, સરકારી યોજનાઓ, નીતિઓ, મંત્રાલયો વચ્ચેના પરસ્પર તાલમેલ અને આગામી સમયની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

 આ બેઠક માટે તમામ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓને આગામી અઠવાડિયે દિલ્હીમાં જ ઉપસ્થિત રહેવાના કડક નિર્દેશો આપવામાં આવ્યા છે, જેના પરથી લાગી રહ્યું છે કે, મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. જો કે, રાજ્ય કક્ષાના મંત્રીઓ આ બેઠકમાં સામેલ થશે કે નહીં તેને લઈને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.

આ બેઠક દરમિયાન કેટલાક મંત્રીઓ પોતપોતાના મંત્રાલયોમાં કરવામાં આવેલાં કામો અને વિવિધ ક્ષેત્રોમાં લાવવામાં આવેલા સુધારાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી શકે છે. આ બેઠકનો મુખ્ય હેતુ સરકારી નીતિઓને વધુ પ્રભાવશાળી બનાવવાનો અને તેના ફાયદાઓ આમ જનતા સુધી ખૂબ જ ઝડપથી પહોંચાડવાનો છે. 

‘ચિંતન બેઠક’માં કેન્દ્ર સરકારની જુદી - જુદી યોજનાઓની પ્રગતિ અને જમીની સ્તર પર તેના અમલીકરણની પણ ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. યોજનાઓનો લાભ લોકોને વધુ સારી રીતે કેવી રીતે મળી શકે તે અંગે મંથન થશે. 

આ ઉપરાંત, સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા અને અલગ-અલગ મંત્રાલયો વચ્ચે ઉત્તમ સમન્વય સુનિશ્ચિત કરવાના ઉપાયો પર પણ ચર્ચા થવાની પ્રબળ સંભાવના છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં સમય વ્યવસ્થાપન, મંત્રાલયો વચ્ચેનો સમન્વય અને નીતિ નિર્માણની પ્રક્રિયાને વધુ વેગ આપવા જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવશે.   અત્યાર સુધી થયેલા કામોની સમીક્ષાની સાથેસાથે આગામી પ્રાથમિકતાઓ અને સરકારના નવા રોડમેપ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ શાસન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો અને સુધારાઓને ઝડપી ગતિ આપવાનો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક