• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં આજે ભારત-જાપાન વચ્ચે T-20, શ્રેયંકાની વાપસી થઈ શકે

રેણુકા ઠાકુર અને નંદની શર્માની જોડી મેદાનમાં ઉતારી શકે છે કેપ્ટન

નવી દિલ્હી, તા.17 : એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પોતાનું અભિયાન 18 સપ્ટેમ્બરને શુક્રવારથી શરૂ કરી રહી છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો જાપાન સામે થશે. દુબઈમાં રેકોર્ડ આઠમી વખત મહિલા ટી20 એશિયા કપ જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે એશિયન ગેમ્સ માટે મેદાનમાં ઉતરવા માટે સજ્જ છે.

આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે અને તમામ મેચો નોકઆઉટ ફોર્મેટમાં છે. અગાઉ એશિયન ગેમ્સ 2022માં ભારતે મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ શાનદાર ઇતિહાસને જોતા આ વખતે પણ ભારતીય ટીમને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. શુક્રવારની મેચમાં ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. શ્રેયંકા પાટિલ ફિટ થઈ હોવાથી તેની વાપસી થઈ શકે છે. પ્રતિકા રાવલ શ્રીલંકા સામે મહિલા એશિયા કપની ફાઇનલ રમી નહોતી અને તેના સ્થાને જી. કમાલિનીને તક આપવામાં આવી હતી. હવે પ્રતિકા એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં વાપસી કરી મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળી શકે છે. દીપ્તિ શર્માની સાથે સ્પિનની કમાન નંબર-1 બોલર શ્રી ચરણી અને શ્રેયંકા પાટિલ સંભાળશે. ક્રાંતિ ગૌડ માટે એશિયા કપનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું, તેથી તેની જગ્યાએ કેપ્ટન હરમનપ્રીત કૌર રેણુકા ઠાકુર અને નંદની શર્માની જોડીને મેદાનમાં ઉતારી શકે છે. ટીમમાં રાધા યાદવની જગ્યા અત્યારે મુશ્કેલ લાગી રહી છે. જો શ્રેયંકાની ફિટનેસ અંગે કોઈ શંકા ઊભી થાય, તો જ રાધાને ટીમમાં સ્થાન મળી શકે તેમ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક