આરોગ્ય મંત્રાલયનો પ્રસ્તાવ ઃ દર્દીનાં આરોગ્યની સુરક્ષાનો હેતુ ઃ તમામ મેડિકલ સ્ટોરમાં સીસીટીવી ફરજિયાત
નવી દિલ્હી, તા. 17 ઃ ભારત દેશનાં આરોગ્ય મંત્રાલયે દવાઓનાં વેચાણ પર કડક નજર રાખવા માટે એક મોટું પગલું લીધું છે. સરકારે શેડયુલ એચ, એચ- વન અને એક્સ દવાઓ માટે 1945ના દવાઓના કાયદામાં બદલાવનો પ્રસ્તાવ આપ્યો છે.
આ બદલાવ હેઠળ દેશભરના મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરી દેવાશે.
સરકારના નવા કડક નિયમ અનુસાર આ પ્રકારની ચોક્કસ દવાઓનું વેચાણ તબીબી પ્રિક્રિપ્શન વગર કરી શકાશે નહીં. સરકારનાં આ પગલાંનો મુખ્ય હેતુ એન્ટિબાયોટિક્સ અને જેની આદત પડી જાય તેવી દવાઓનો દુરુપયોગ રોકવાનો છે. દર્દીઓનાં સ્વાસ્થ્યની સુરક્ષાનાં હિતમાં આ ડ્રગ્સના કાયદામાં બદલાવ કરવાની વિશેષ કવાયત સરકાર કરવા જઈ રહી છે.
આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો તમામ મેડિકલ સ્ટોર્સ પર દવાઓનાં વેચાણનું રેકોર્ડિંગ ફરિજયાત થઈ જશે અને કમસે કમ ત્રણ મહિના સુધી સુરક્ષિત સાચવવું પડશે.
આરોગ્ય મંત્રાલયે આ સંબંધમાં આઠમી સપ્ટેમ્બરના એક મુસદ્દા જાહેરનામું પણ જારી કરી આપ્યું હતું.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, શેડયુલ એચ, એચ-વન અને એક્સ શ્રેણીમાં આવતી દવાઓ બેહદ સંવેદનશીલ છે.
આવી શ્રેણીઓમાં એન્ટિબાયોટિક્સ, પેઈનકિલર, સાઈકોટ્રોપિક, કેફી અસરવાળી અને અન્ય અનેક શક્તિશાળી દવાઓ સામેલ છે, જેનો ખોટી રીતે ઉપયોગ આરોગ્ય માટે ગંભીર-જોખમ બની શકે છે.
ઘણીવાર ફરિયાદો મળે છે કે, તબીબે લખી આપી નથી તેમ છતાં આવી દવાઓનું વેચાણ મેડિકલ સ્ટોર્સ પર કરાતું રહ્યું છે. આ જોખમને ટાળવા માટે જ મેડિકલ સ્ટોર્સ પર સીસીટીવી કેમેરા જેવા પગલાંની સરકારની તૈયારી છે.
આ પ્રસ્તાવ પહેલાં દવા સલાહકાર સમિતિ સમક્ષ મુકાયો. વિગતે ચર્ચા કરી, ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડને મોકલ્યો હતો. બોર્ડના સભ્યોએ તમામ પાસાં પર ચર્ચા-િવચારણા બાદ પ્રસ્તાવને મંજૂરી આપવાની ભલામણ કરી હતી.