• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

કેશોદ: કેન્સરના દર્દીને રિવોલ્વર બતાવી જમીનના પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવડાવ્યાનો આક્ષેપ

સોંદરડાના યુવાનનું રૂ. 100ના સ્ટેમ્પ પેપર પર નોટરી સમક્ષ સોગંદનામું : રૂ. 30 લાખની ખંડણી માગ્યાનો પણ ગંભીર આરોપ

કેશોદ, તા.17 : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામના અને કેન્સરની બીમારીથી પીડિત સાગરભાઈ રમેશભાઈ ભલાણીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને રિવોલ્વર બતાવી ડરાવી-ધમકાવીને જબરદસ્તી સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈ તેમની જમીનના પ્લોટના ખોટા દસ્તાવેજો બનાવડાવી લેવાયા છે.

અરજદાર સાગરભાઈ જૂનાગઢની સમન્વય હોસ્પિટલમાં કેન્સરની સારવાર અર્થે દાખલ હતા. તા. 09/05/2026ના રોજ સોયબ આમદભાઈ જેઠવા અને તેમનો ડ્રાઇવર બ્લેક કલરની ક્રેટા ગાડીમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાંથી તેમને બળજબરીપૂર્વક કેશોદ સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈ સોંદરડા ગામની માલિકીની જમીનના પ્લોટ નં.1 થી 8 અને 9 થી 16ના રજિસ્ટર્ડ દસ્તાવેજો (નં. 1420 અને 1421) જાનથી મારી નાખવાની ધમકી આપી કરાવી લીધા હતા. દસ્તાવેજમાં ઉલ્લેખિત ચેક નંબરો મુજબ કોઈ જ નાણાં તેમને મળ્યા નથી. આ કેસમાં મુકેશભાઈ રવજીભાઈ વણપરીયા, સલીમ હુશેન ચીસ્તીનું નામ લેનાર તરીકે અને સાક્ષી તરીકે અકબરમીયાં તથા સોયબ જેઠવા સામેલ હોવાનું જણાવ્યું છે.

આ બનાવના અંદાજે 20 દિવસ પૂર્વે પણ આરોપીઓ તેમને ઘરેથી અપહરણ કરી લઈ ગયા હતા અને દસ્તાવેજ રદ કરવા માટે રૂ. 30 લાખની માગણી કરી હતી, જેમાંથી જીવ બચાવવા રૂ. 26 લાખ આપ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ મામલે અગાઉ ગુનો નોંધાયેલ છે ત્યારે રૂા. 100ના સ્ટેમ્પ પર નોટરી સમક્ષ સોગંદનામું કરી કેશોદ પોલીસ સ્ટેશન તેમજ ડીઆઇજી અને એસપી જૂનાગઢને નકલ મોકલી તટસ્થ તપાસ કરી ન્યાય આપવા માગણી કરાઈ છે. આ ઘટનાથી કેશોદ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક