સ્થળ પરથી ફરાર થઈ ગયેલા જયદીપને પોલીસે ઝડપી લીધો
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.18
: અમદાવાદના સોલાથી ગોતા રોડ પર ગત મધરાતે કારચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવીને રસ્તા
પર ચાલતા જતા બે વ્યક્તિને અડફેટે લેતા બંનેના મૃત્યુ થયા હતા. આ અકસ્માત બાદ કાર મૂકીને
ફરાર થયેલા આરોપીની તપાસ કરતા પોલીસને તેની કારમાંથી માનવ અધિકાર આયોગના લોગોવાળું
બોર્ડ અને હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનું બનાવટી આઈકાર્ડ મળ્યું હતું.
સોલા
બ્રિજથી ગોતા તરફ જતા રોડ પર કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક જયદીપ દિનેશ
કાબંડિયાએ ફુલ સ્પીડમાં કાર ચલાવીને રોડ ક્રોસ કરતા બે વ્યક્તિ રણજીત અને બહાદુરને
અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી ગંભીર હતી કે બંને વ્યક્તિઓને જીવલેણ ઈજાઓ પહોંચતા
સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવારમાં મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જીને
આરોપી પોતાની કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી જયદીપ
પાસેથી હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનું એક આઇકાર્ડ પ્રાપ્ત થયું હતું. જે તેને
જનતાનગર ખાતે રહેતા ચિરાગભાઈ પટેલ નામના વ્યક્તિએ આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉપરાંત
આરોપીની ગાડીમાં ડ્રાઈવર સીટની આગળ એક લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું. જેમાં માનવ
અધિકાર આયોગનો લોગો અને માનવાધિકાર તથા હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનું લખાણ
હતું. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી કે તેના પરિવારના કોઈપણ સભ્ય માનવ અધિકાર આયોગમાં
કોઈ જ પ્રકારની ફરજ બજાવતો જ નથી.