(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.28: જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં
કુલ 4,32,856 ગ્રાહક પાસેથી રૂ. 207 કરોડથી વધુની વીજબીલની વસૂલાત કરવા પાવર સપ્લાય
કંપની પીજીવીસીએલ દ્વારા એક સાથે લાખો બાકીદારોને
અલ્ટીમેટમ આપ્યું છે. આમ છતાં સમય મર્યાદામાં વીજબિલની રકમ નહીં ભરતા આવા બાકીદારોનું
લીસ્ટ બનાવી આગામી મંગળવારથી મેગા ડિસકનેકશનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, આમ તો માર્ચ
મહિનામાં ડિસકનેકશન ડ્રાઈવ કરવામાં આવે છે.પરંતુ છેલ્લા બે મહિનામાં નિયમીત વીજબીલ
ભરતા ગ્રાહકો સામે ડિફોલ્ટર ગ્રાહકોનો આંકડો વધતા છ મહિનાની અંદર ફરી વખત મેગા ડ્રાઈવનું
આયોજન કરવામાં આવ્યું છે. માર્ચમાં ડ્રાઈવ પછી છ મહિનામાં ડિફોલ્ટર ગ્રાહકોના આંકડા
વધ્યા હતા.
જામનગર સર્કલ વિભાગ તરફથી જાહેર
કરવામાં આવેલા આંકડા મુજબ 55021 કનેક્શનના
રૂ.2392.61 લાખની વસૂલાત હાથ ધરવામાં આવનાર છે. આ માટે શહેરના તમામ સબ ડિવિઝન વાઈઝ
ટીમો બનાવવામાં આવી છે. છેલ્લા બે મહિનાથી લઈને છેલ્લા એક વર્ષ સુધી વીજબિલ નહીં ભરતા
ડોલ્ટિર થયેલા ગ્રાહકો સામે આક્રમક કાર્યવાહીનો તખતો તૈયાર કરી આગામી મંગળવારથી તમામ
12 સર્કલમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહકોએ
બિલના નાણા ભરપાઈ કર્યા ન હોય એવા સેન્ટરમાં જામનગર અને સુરેન્દ્રનગરનું નામ પણ છે.
સુરેન્દ્રનગરમાં પણ 50,000થી વધુ ગ્રાહકો વીજબિલ ભર્યા નથી.
વીજ કંપનીએ તમામ સર્કલ વાઈઝ આવા
બાકીદારોની યાદી તૈયાર કરી વીજ કનેકશન અને તમામ બાકીદાર ગ્રાહકોને તાત્કાલિક ઓનલાઇન
અથવા કચેરીએ જઈને બિલ ભરી દેવા તાકીદ કરી છે. પીજીવીસીએલ દ્વારા તમામ 292 સબ ડિવિઝનમાં
જાહેર કરાયેલા મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ એલર્ટ જાહેર કરવામાં છે. તા.29મી એ મોટી સંખ્યામાં
ટીમો દ્વારા જોડાણ કાપવામાં આવશે. સ્થળપર કોઈપણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારવામાં આવશે
નહીં.પાવર કપાયા બાદ પૂરેપુરું બિલ પ્લસ રી-કનેક્શન ચાર્જ ભરવો પડશે.