રાજકોટ, તા. ર7: ‘નવરાત્રીમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળવો જોઈએ. ગરબા આયોજકે પણ અન્ય જ્ઞાતિના ખેલૈયાઓને ન આવવા દે’. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંહલના જન્મ શતાબ્દી વર્ષની રાજકોટના અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે સંતોની યોજાયેલી સંગોષ્ઠિમાં વિહિપના કેન્દ્રીય મંત્રી ગોપાલજીએ નવરાત્રીમાં હિન્દુ સિવાયના અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પાબંધીને સમર્થન આપતા આમ જણાવ્યું હતું. રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોકજી જન્મ શતાબ્દી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ગોપાલજીએ જણાવ્યું હતું કે, સંતોના આશીર્વાદથી વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાં ધર્માંતરણ રોકવા માટે મોટા પ્રયાસ કરે છે. ધર્માંતરણ કરતા 35 હજાર લોકોને હિન્દુ ધર્મમાં પરત લાવ્યા છીએ અને 1 લાખ લોકોને ધર્માંતરણ કરતા રોકયા છે જ્યારે લવ જેહાદનો શિકાર બનેલી 6500 દીકરીઓને પરત હિન્દુ ધર્મમાં લાવવાનું કામ કર્યું છે. જે લોકો ધર્માંતરિત થયા છે તેમના મનમાં ફરી હિન્દુ ભાવ જગાડી પાછા લઈ આવવાના પ્રયાસ કરી છીએ. અન્ય જ્ઞાતિના ખેલૈયાઓ જો ગરબા આયોજનમાં આવીને કંઈ ગરબડ કરશે તો બજરંગ દળ તેમનો ચોક્કસ વિરોધ કરશે.
જ્યારે મહામંડલેશ્વર લલિત કિશોરદાસ મહારાજે જણાવ્યું
હતું કે, નવરાત્રી એ હિન્દુઓનો તહેવાર છે. નવરાત્રીમાં ગૌમાંસ ખાતા હોય એવા કોઈ વ્યક્તિને
પ્રવેશ ન હોવો જોઈએ. હિન્દુ બહેન દિકરીઓને અપીલ છે કે હિન્દુ ધર્મ આધારિત જ ગરબા રમજો.
ફિલ્મના ગીત ઉપર ગરબા રમવા એ ભારતીય સંસ્કૃતિ પર કલંક છે. નવરાત્રીના નામથી જે નાટક
ચાલે છે તે બંધ થાય.