• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં 33 ટકાનું ભારે ગાબડું પડશે

ભારતનું કુલ ઉત્પાદન 22 ટકા ઘટીને 65 લાખ ટન રહેશે, ગુજરાતનો પાક 30 લાખ ટન : ઇન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસીએશનની બેઠકમાં રાજકોટ ખાતે મૂકાયો અંદાજ

 

રાજકોટ,તા.27: (ફૂલછાબ ન્યૂઝ) ગુજરાતના ઉત્પાદનમાં 33 ટકાનું મોટું ગાબડું પડવાને લીધે આખા દેશમાં મગફળીનું ઉત્પાદન ઘટશે તેવો અંદાજ ઇન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસીએશનની બેઠકમાં રાજકોટ ખાતે મૂકવામાં આવ્યો હતો. જ્યાં લગભગ આખા દેશના મગફળી-દાણા ઉત્પાદકો, બ્રોકરો, નિકાસકારો, પ્રોસેસરો વગેરે આવ્યા હતા. 1400 કરતા વધારે લોકોની બહોળી હાજરી વચ્ચે ઉત્પાદનના સમગ્ર દેશના આંકડાઓ રજૂ થયા હતા. પાકમાં પાછલા વર્ષની તુલનાએ 22 ટકાનો ઘટાડો થશે તેવું તારણ બહાર આવ્યું હતુ.

મગફળીના ઉત્પાદનના અંદાજો રજૂ કરવા માટે ખાસ પેનલ ચર્ચા થઇ હતી. એમાં વિવિધ રાજ્યોના અગ્રણીઓ જોડાયા હતા. સમગ્ર દેશમાં ગયા વર્ષના 84 લાખ ટનના ઉત્પાદન સામે નવી મોસમમાં મગફળીનું ઉત્પાદન 65 લાખ ટન જેટલું થઇ શકે છે તેવું તારણ નીકળ્યું છે. 

પેનલ ચર્ચામાં ગુજરાતમાં આશરે 28થી 30 લાખ ટનનો પાક આવશે તેવો અંદાજ વ્યક્ત થયો હતો. રાજકોટના  ડાયાલાલ કેસરીયાએ કહ્યું કે, જામનગર, દ્વારકા અનને પોરબંદર પંથકમાં મોટો ઘટાડો ઉત્પાદનમાં થવાનો છે. આ જિલ્લાઓમાં વરસાદની ભારે ખાધને લીધે ગુજરાતનો પાક ઓછો આવશે. પેનલ ચર્ચામાં ગયા વર્ષે ગુજરાતનનું ઉત્પાદન 44-45 લાખ ટન થયું હોવાનો અંદાજ વ્યક્ત થયો હતો.

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી આવેલા બ્રોકરોએ પાકનો અંદાજ ગયા વર્ષના 10 લાખ ટન સામે 15થી 15.50 લાખ ટનનો મૂક્યો હતો. બન્ને રાજ્યોમાં કુલ મળીને દોઢો પાક આવવાને લીધે ગુજરાતમાં પડેલ મોટાં ગાબડાં સામે રાહત મળવાની છે. રાજસ્થાનના બ્રોકરોએ કહ્યું હતુ કે, ગયા વર્ષમાં અમારે ત્યાં 19 લાખ ટનનો પાક થયો હતો. તેની સામે આ વર્ષે 13 લાખ ટન પાક આવી શકે છે. કર્ણાટકમાં 2 લાખ ટનનો પાક થવાનો અંદાજ છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં કુલ મળીને 4.50 લાખ ટનનો પાક આવવની ધારણા વ્યક્ત થઇ હતી.

નવેમ્બર-ડિસેમ્બર મહિના સુધી આવકનું દબાણ રહેવાને લીધે ભાવ પર થોડું દબાણ રહી શકે છે પણ આવક ચરમસીમાએથી નીચે જતી દેખાય એટલે મધ્યમ ગાળામાં મગફળીમાં તેજી શરુ થશે તેવું તારણ બેઠકમાં આવ્યું હતુ.

ઇન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસીએશનની બેઠક અંગે સેક્રેટરી નીરજ અઢીયાએ કહ્યું કે, સંગઠનની બીજી બેઠક રાજકોટમાં યોજાઇ હતી અને મોટી સંખ્યામાં ભારતભરમાંથી મગફળીના વેપાર સાથે સંકળાયેલો વર્ગ જોડાયો હતો.

બેઠકના આરંભે પ્રમુખ શૈલેષ નથવાણીએ મગફળીના વેપારમાં આવતી સમસ્યાઓ અને ભારતની આગેવાની અંગે માહિતી આપી હતી. કિસાનોને તેના ઉત્પાદનનો પૂરો ભાવ મળે તો મગફળીનો વેપાર લાંબો સમય ટકી શકે તેવી હાકલ કરી હતી. ખેડૂત ફિડઝ એન્ડ ફૂડના તુષાર ઠુંમરે મગફળીની સ્થાનિક અને વૈશ્વિક બજારોની બહોળી છણાવટ કરી હતી. મગફળીનો ઉપયોગ કઇ કઇ પ્રોડક્ટમાં થઇ રહ્યો છે તેની ખૂબ જ ઝીણવટપૂર્વકની માહિતી આપી હતી. ઇન્સ્ટન્ટ ફૂડના મસાલાથી લઇને પ્રોટીન પાઉડરમાં મગફળીના ડીઓસીનો ઉપયોગ થતો હોવાની જાણકારી તેમણે આપી હતી.

ભારતમાં મગફળીની બગડતી જતી ગુણવત્તા, આફ્લાટોક્સિનની સમસ્યા, જમીનની ફળદ્રુપતા, કેમિકલ ફર્ટિલાઇઝરના વધુ પડતા ઉપયોગ તથ નિકસમાં આવતી અડચણો વિષે ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતા. આ તકે ઉપપ્રમુખ ધર્મેશ કાનાબર, પૂર્વાંગ વોરા, વિશાલ રૂપારેલ તથા ચિરાગ ગાંધીએ પણ પ્રાસંગિક માહિતી આપી હતી.

 

મગફળીના ભાવ ઉંચા અને તેલ મોંઘું રહેશે : અંદાજ

 

ઓછાં ઉત્પાદનને લીધે મગફળીના ભાવ ઉંચા રહેશે અને તેના કારણે તેલના ભાવ પણ ખાસ નીચાં આવશે નહીં એવી ચર્ચા બ્રોકરોમાં થઇ હતી.  ભરવાની મોસમ શરૂ થાય અને માગનો ટેકો મળી રહે તો સીંગતેલના ભાવ ઉંચે જવાનું શરૂ થશે. અગ્રણીઓએ કહ્યં હતુ કે દર વર્ષે 6.5થી 7 લાખ ટન મગફળી નિકાસમાં જતી હોય છે તેના સ્થાને આ વખતે  8.5 લાખ ટન સુધી ઉત્પાદન પહોંચાડવાનો લક્ષ્યાંક છે. પરંતુ મગફળીના ઘટેલા ઉત્પાદનને કારણે આ લક્ષ્યાંક પૂરો થવો મુશ્કેલ દેખાય રહ્યો છે. વળી, વૈશ્વિક બજારમાં આયાતકાર દેશોમાં ક્વોલિટી મુદ્દે પણ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક