• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

બચાવવા ગયેલી ટીમ પર જ સિંહનો હુમલો, બે વનકર્મી ગંભીર રીતે ઘાયલ

રેસ્ક્યૂ દરમિયાન બીમાર સિંહે હુમલો કરતા સર્જાઈ અફરાતફરી, ફોરેસ્ટર અને ટ્રેકરને ગંભીર ઈજા; ટ્રેકરને ભાવનગર ખસેડાયો

 

રાજકોટ તા.27: અમરેલીના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમ વિસ્તારમાં બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન વનવિભાગના બે કર્મચારીઓ પર સિંહે અચાનક હુમલો કરી દેતાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ફોરેસ્ટર એમ.જે. ખાવડીયાની કમરે અને ટ્રેકર ભરત જોગદીયાની છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રેકર ભરત જોગદીયાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં શેત્રુંજી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ મધરાતે જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સિંહના હુમલા બાદ સર્જાયેલી અફરાતફરી દરમિયાન ફોરેસ્ટર એમ.જે. ખાવડીયાની લાયસન્સવાળી રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ સ્થળ પર પડી જતાં ગુમ થયા હતા. વનકર્મીઓ દ્વારા પ્રાથમિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સફળતા ન મળતાં રાજુલા પોલીસને જાણ કરવામાં આવી હતી. હવે પોલીસ અને વનવિભાગની ટીમ દ્વારા એક તરફ બીમાર સિંહનું લોકેશન ટ્રેસ કરવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ ગુમ થયેલી રિવોલ્વર અને કારતૂસની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

શેત્રુંજી ડિવિઝનના ડિસીએફ ચિરાગ અમીને જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત અને બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન આ આકસ્મિક ઘટના બની હતી. બંને વનકર્મીઓને ઈજા થઈ છે. વેટરનરી ડોક્ટરોની ટીમની મદદથી સિંહનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવશે. સિંહને શોધવા માટે વનવિભાગનું પેટ્રાલિંગ સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઘટનાને પગલે ડીસીએફ, એસીએફ, ગીર પૂર્વ એસીએફ, જાફરાબાદ આરએફઓ, ખાંભા આરએફઓ સહિતના અધિકારીઓ અને વેટરનરી ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર કામગીરીની દેખરેખ હાથ ધરી હતી.

 

ઝાડીઓ અને ઊભા પાક વચ્ચે સિંહનું લોકેશન શોધવાની કવાયત

સિંહ જે વિસ્તારમાં છુપાયો હતો ત્યાં ઊભા પાક અને બાવળની ઘટાદાર ઝાડીઓ હોવાથી વનવિભાગની ટીમને લોકેશન ટ્રેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. સમગ્ર વિસ્તારમાં સ્કાનિંગ અને પેટ્રાલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવા માટે ઘટનાસ્થળે રિંગ પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે.

 

ઝાડીઓ અને ઊભા પાક વચ્ચે સિંહનું લોકેશન શોધવાની કવાયત

સિંહ જે વિસ્તારમાં છુપાયો હતો ત્યાં ઊભા પાક અને બાવળની ઘટાદાર ઝાડીઓ હોવાથી વનવિભાગની ટીમને લોકેશન ટ્રેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. સમગ્ર વિસ્તારમાં સ્કાનિંગ અને પેટ્રાલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવા માટે ઘટનાસ્થળે રિંગ પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક