• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ધનરાજ નથવાણીની રાજકારણમાં એન્ટ્રી, સપાના રાજ્યસભા ઉમેદવાર તરીકે ભર્યું નામાંકન

અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની હાજરીમાં લખનૌમાં ઉમેદવારી પત્ર ભર્યું; 16 ઓક્ટોબરે રાજ્યસભાની ચૂંટણી

અમદાવાદ તા. 30ઃ લખનૌમાં સમાજવાદી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ રાજકીય હલચલ તેજ બની છે. રિલાયન્સ ગ્રૂપની વિવિધ જવાબદારીઓ તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા ધનરાજ પરિમલ નથવાણીએ સપાના ઉમેદવાર તરીકે લખનૌમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. અખિલેશ યાદવ અને પ્રોફેસર રામગોપાલ યાદવની હાજરીમાં નામાંકન કરનાર નથવાણીની રાજકીય સફર હવે રાષ્ટ્રીય રાજકારણ તરફ આગળ વધી રહી છે.

 નથવાણીએ રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. તેઓ રિલાયન્સ કોર્પોરેટ આઇટી પાર્કના બોર્ડના સભ્ય તરીકે સેવા આપે છે અને ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઊભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં અનુભવ ધરાવે છે. કોર્પોરેટ ક્ષેત્ર ઉપરાંત નથવાણી રમતગમત અને વિવિધ જાહેર સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે. ધનરાજ નથવાણીની સંસ્થાકીય જવાબદારીઓનો વ્યાપ ધર્મ, વન્યજીવન, શિક્ષણ અને ઊર્જા સંશોધન સુધી વિસ્તરેલો છે. તેઓ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ છે. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ અને નાથદ્વારા ટેમ્પલ બોર્ડ સાથે પણ જોડાયેલા છે. તેઓ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે તેમજ ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ સંકળાયેલા છે.

 નામાંકન પત્ર ભર્યા બાદ નથવાણીએ અખિલેશ યાદવનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે સપાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા તે બદલ તેઓ કૃતજ્ઞ છે. તેમણે કહ્યું કે જાહેર જીવનના નવા તબક્કાની શરૂઆત કરતાં તેમણે અખિલેશ યાદવની ઉપસ્થિતિમાં લખનૌમાં રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે.

 ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સપા પાસે પોતાના બંને રાજ્યસભા ઉમેદવારોને ચૂંટાવવા માટે જરૂરી સંખ્યાબળ હોવાનું જણાવાયું છે. રાજ્યસભાની આ ચૂંટણી 16 ઓક્ટોબરના રોજ યોજાવાની છે.

ઇ-પેપરના નવા શુલ્ક