ATS-કોસ્ટગાર્ડનું 16 દિવસનું ઓપરેશન; અરબ સાગરમાં આઝાદ નામની ઇરાની બોટમાંથી 526 કિલો હેરોઈન-મેથામ્ફેટામાઈન ઝડપાયું
અમદાવાદ, તા. 30: અરબ સાગરમાં ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સામે ગુજરાત એટીએસએ અને ભારતીય કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન પાર પાડી રૂ.3,000 કરોડની કિંમતનો 526 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. લક્ષદ્વીપથી 160 નોટિકલ માઈલ ઉત્તર-પશ્ચિમે ઈરાનની આઝાદ નામની બોટને આંતરીને કરાયેલી કાર્યવાહીમાં 400 કિલો મેથામ્ફેટામાઈન અને 126 કિલો હેરોઈન જપ્ત થયું છે. બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોને પણ ઝડપી લેવાયા છે. પાકિસ્તાનના ગ્વાદરથી ભારત તરફ આવી રહેલા આ કન્સાઈનમેન્ટને તામિલનાડુના દરિયાકાંઠે ઉતારી દેશના અન્ય વિસ્તારોમાં પહોંચાડવાનું કાવતરું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ગુજરાત એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસ્ટગાર્ડ સાથે સંકલન કરીને 16થી 25 સપ્ટેમ્બર સુધી દરિયામાં ઓપરેશન હાથ ધરાયું હતું. 25 સપ્ટેમ્બરે આઝાદ નામની ઈરાની બોટને શોધી કાઢ્યા બાદ કોસ્ટગાર્ડે તેને અટકાવી હતી. હોટ પર્સ્યુટ બાદ સુરક્ષા જવાનોએ બોટમાં ટેક્ટિકલ બોર્ડિંગ કરી સર્ચ કરતાં 400 કિલો મેથામ્ફેટામાઈન અને 126 કિલો હેરોઈન મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ બોટ ઈરાનના કોનારકથી રવાના થઈ હતી અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ખાતે નાની બોટ મારફતે તેમાં ડ્રગ્સનો જથ્થો લોડ કરવામાં આવ્યો હતો. આ કન્સાઈનમેન્ટ તામિલનાડુના દરિયાકાંઠે પહોંચાડીને ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં મોકલવાનું કાવતરું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ડ્રગ્સની ડીલમાં નાઈજીરિયન શખસની સંડોવણી તથા હવાલા મારફતે નાણાંની હેરફેર અંગે પણ તપાસ ચાલી રહી છે. ઝડપાયેલા પાંચેય આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે અને વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે. ગુજરાત એટીએસએ આરોપીઓ તથા ફરાર શખસો સામે ગુનો નોંધી આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના અન્ય સભ્યો, નાણાંની હેરફેર અને સમગ્ર નેટવર્કની કડીઓ શોધવાની તપાસ શરૂ કરી છે.
ડ્રગ્સના દૂષણથી યુવાધનને બચાવવા સરકાર પ્રતિબદ્ધ : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારતીય જળસીમામાં ભરાતીય કોસ્ટ ગાર્ડ તથા ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનને બિરદાવ્યું હતું. શાહે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, દેશના યુવાધનને ડ્રગ્સના દુષણથી બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓના સહયોગ અને સંકલનનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સમુદ્રમાં નાર્કો-ટેરરિઝમ પર સૌથી મોટો પ્રહાર : હર્ષ સંઘવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એટીએસ અને કોસ્ટ ગાર્ડની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે દરિયાઈ સરહદો મારફતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કોઈપણ નાપાક ઈરાદાને સફળ થવા દેવામાં આવશે નહીં. સુરક્ષા એજન્સીઓના જવાનોએ સતત 16 દિવસ સુધી દરિયાના ઊંડા પાણીમાં રહીને આ જટિલ મિશન પાર પાડ્યું હતું. રાષ્ટ્ર સુરક્ષા અને માદક પદાર્થો સામે ઝીરો ટોલન્સની નીતિથી ત્વરિત કાર્યવાહી કરીને ગુજરાત એટીએસે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
બોટ ઈરાનના કોનારકથી રવાના થઈ હતી
ઈરાનની બોટમાં ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ખાતે એક નાનકડી બોટ દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો. સર્ચ દરમિયાન પૂછપરછ કરાતા 400 કિલો મેથામ્ફેટામાઈન અને 126 કિલોગ્રામ હેરોઈન હોવાનું સામે આવ્યું છે. આઝાદ નામની બોટ નોકારક, ઈરાન ખાતેથી રવાના થઈ હતી. તામીલનાડુની બોટમાં આ જથ્થો પહોંચાડવાનો હતો અને બાદમાં તેને ભારતમાં અન્ય શહેરોમાં મોકલવાનું કાવતરું ઘડાયું હોવાનું એટીએસની પ્રાથમિક તપાસમાં જણાયું છે. તેમજ ડ્રગ્સનો જથ્થો તામીલનુડુના દરિયાકાંઠે ઉતારી અન્ય વાહન મારફતે ટુકડે ટુકડે પંજાબ ખાતે કોઈ નાઈજીરિયનની ડિલિવરી કરી પહોંચાડવાનો હતો. બોટમાં રહેલો ટંડેલે યુએસના ઈલોન મસ્કની કંપનીએ તૈયાર કરેલા સ્ટારાલિંક ડિવાઈસનો ઉપયોગ કરવાનો હોવાની માહિતી મળી હતી. આ ડિવાઈસનો ઉપયોગ સેટેલાઈટથી સિગ્નલ મેળવવા માટે થતો હોય છે.
ઝડપાયેલા પાંચ પાકિસ્તાનીઓ
1.મોહમ્મદ યાકુબ બચુલી, રહે. પેશાવર, પાકિસ્તાન
2. શકિરુલ્લાહ રહે. પેશાવર, પાકિસ્તાન
3. ફરિદુલ્લાહ રહે. પેશાવર, પાકિસ્તાન
4. અહમદ ખાન રહે. પેશાવર, પાકિસ્તાન
5. વાહિદુલ્લાહ ખાન રહે. પેશાવર, પાકિસ્તાન