• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

સોશિયલ મીડિયામાં અપમાન પણ એટ્રોસિટીનાં દાયરામાં

કલકત્તા હાઈકોર્ટ તરફથી કરવામાં આવેલી મહત્ત્વની સ્પષ્ટતા

નવીદિલ્હી,તા.30: સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા સહિતની લ્હાયમાં આજકાલ લોકો બેફામ વાણીવિલાસ કરતાં થઈ ગયા છે અને આમાં ઘણીવાર માનહાનિ સહિતનાં ગંભીર અપરાધો પણ બને છે. આવી સ્થિતિ મધ્યે સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવેલી જાતિગત ટિપ્પણી મુદ્દે કલકત્તા હાઈકોર્ટ દ્વારા એક મહત્ત્વની કાનૂની ટિપ્પણી કરવામાં આવી છે. જસ્ટિસ ઉદય કુમારે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ-જનજાતિ ધારાની કલમ 3(1)(આર) અને 3(1)(એસ)માં વર્તમાન જાહેર અભિપ્રાયની શરત ડિજીટલ તખ્તા સુધી પણ વિસ્તારિત થઈ શકે છે એટલે કે, એટ્રોસિટીનાં કેસ સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવેલી ટિપ્પણીમાં પણ લાગુ થઈ શકે છે.

એક ફરિયાદીએ 21 સપ્ટેમ્બર 2022નાં રોજ બેહાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, ફેસબૂક ઉપર બે શખસોએ તેની જાતિ, ધર્મ અને પરિવાર વિશે અપમાનજનક અને જાતિગત ટિપ્પણીઓ કરી હતી. ફરિયાદ બાદ તેની સામે એટ્રોસિટી એક્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે 20 જાન્યુઆરી 2023નાં રોજ અંતિમ અહેવાલમાં કોઈ નિષ્કર્ષ નહીં, તેવો અભિપ્રાય આપ્યો હતો. પોલીસનાં કહેવા અનુસાર સાઈબર પોલીસનાં માધ્યમથી ફેસબૂક યુઝરની જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ આવશ્યક માહિતી મળી ન હતી. ફરિયાદી તરફથી આની સામે વાંધો લેવામાં આવેલો. જો કે નીચલી કોર્ટે પોલીસનાં રિપોર્ટને ગ્રાહ્ય રાખ્યો હતો.

જો કે હવે હાઈકોર્ટે કહ્યું છે કે, જાહેર અભિપ્રાયની ધારણા માત્ર સડક, ઘર કે બહાર કે અન્ય ભૌતિક સ્થાન સુધી સીમિત માની શકાય નહીં. આમાં ડિજીટલ ડોમેન સુધી તેનો વ્યાપ વિસ્તારી શકાય. સ્થાનિક પોલીસ જાણકારીઓ એકત્ર કરી શકી નહીં ફક્ત એટલા કારણસર તપાસ બંધ કરી શકાય નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક