• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

જૂનાગઢ, અમરેલી, તાલાલા અને કાલાવડ પંથકમાં વરસાદ

અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે બપોર બાદ અચાનક પલટાયેલા હવામાનથી મુરઝાતી મોલાતોને મળ્યું નવજીવન, એકથી દોઢ ઇંચ સુધી વરસાદ

 

રાજકોટ, તા.30: સૌરાષ્ટ્રમાં ચોમાસાની વિદાય વેળાએ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે બપોર બાદ જૂનાગઢ, અમરેલી અને આસપાસના અનેક પંથકોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે વરસાદ રાહતરૂપ બન્યો છે. આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની નજર આકાશ તરફ મંડાયેલી છે.

 જૂનાગઢ :  જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતા અને ભાદરવાના આકરા તાપને કારણે ખેતીના પાકો મુરઝાવા લાગ્યા હતા. સિંચાઈની પૂરતી સુવિધા ન હોવાથી ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી હતી. દરમિયાન ભેસાણમાં આશરે એક ઈંચ અને વિસાવદરમાં અડધો ઈંચ વરસાદ નોંધાતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ હતી.

માળિયા હાટીના : તાલુકાના અમરાપુર ગીર, વિરડી ગિર, તરાસિંગડા સહિતના ગામોમાં પણ વરસાદ પડયો હતો. તરાસિંગડા વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ પડતાં કેટલીક વાડીઓમાં વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલો છે. પરસોતમભાઈ પટોળિયાની વાડીમાં ચંદનનું જૂનું વૃક્ષ પણ ભારે પવનના કારણે પડી ગયું હતું.

અમરેલી : જિલ્લામાં પણ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોર પછી વરસાદી માહોલ સર્જાયો હતો. ધારી-ગિર વિસ્તારમાંથી શરૂ થયેલો વરસાદ ધીમે ધીમે આસપાસના ગ્રામ્ય વિસ્તારો, ચલાલા પંથક અને ત્યારબાદ બગસરા તાલુકા સુધી પહોંચ્યો હતો. ધારી તાલુકાના ખીચા, દેવળા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ધારી બાદ ચલાલા પંથકના ચલાલા, ગોપાલગ્રામ, દહીડા અને આંબરડી સહિતના ગામોમાં પણ વરસાદ પડયો હતો. ત્યારબાદ બગસરાના સમઢિયાળા, લુઘીયા અને જાંજરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમો વરસાદ નોંધાયો હતો.

તાલાલા : શહેરમાં ભારે ગરમી બાદ બપોરે ત્રણ વાગ્યા પછી ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. શહેરમાં એક ઈંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. પંથકના જશાપુર ગિર, આંકોલવાડી ગિર, ધાવા ગિર, લુશાળા ગિર, બોરવાવ ગીર, મોરૂકા ગિર અને વિરપુર ગિર સહિતના ગામોમાં અડધાથી દોઢ ઈંચ સુધી વરસાદ પડયાના અહેવાલો છે. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.

કાલાવડ : કાલાવડ વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ અને જોરદાર પવન સાથે આશરે એક ઈંચ વરસાદ પડયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક