• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

રાજકોટ સિવિલની ગંભીર બેદરકારી ઃ નિવૃત્ત શિક્ષકના મૃતદેહને બિનવારસુ ગણી અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યો

અમેરિકાથી પિતાના અંતિમ દર્શન માટે આવેલી દીકરીને ખાલી હાથે પરત ફરવું પડ્યું

પરિવાર ચોધાર આંસુએ રડ્યો, તપાસ કમિટી રચાઈ

રાજકોટ, તા.30ઃ બેદરકારીના કારણે અવારનવાર વિવાદમાં રહેતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ અને પોલીસની બેદરકારીના કારણે નિવૃત્ત શિક્ષક હરસુખલાલ ઠાકરનો મૃતદેહ ભૂલથી બિનવારસુ મૃતદેહ સમજી સગાઓને સોંપી દેવાયો હતો. બાદમાં આ મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. પ્રદ્યુમનનગર પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બ્રહ્મસમાજના અગ્રણી હરસુખલાલ ઠાકર (ઉવ 92)નું કમરના ગોળાની સારવાર દરમિયાન અવસાન થતાં તેમની પુત્રી અમેરિકાથી આવવાની હોવાથી મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન એ ડિવિઝન પોલીસને મળેલા બિનવારસુ મૃતદેહનું નામ ગાવિંદભાઈ હોવાનું નોંધાયું હતું. ગાવિંદભાઈના દૂરના સગાઓ મુંબઈથી રાજકોટ આવતા કોલ્ડ સ્ટોરેજમાંથી મૃતદેહ સોંપતી વખતે સિવિલ કર્મચારી અને પોલીસ કર્મચારીથી ગંભીર ભૂલ થઈ અને ગાવિંદભાઈના બદલે હરસુખલાલનો મૃતદેહ સોંપાઈ ગયો.

મૃતદેહને રામનાથપરા સ્મશાને લઈ જઈ અંતિમ સંસ્કાર કરી દેવાયા બાદ બીજા દિવસે હરસુખલાલનાં પરિવારજનો મૃતદેહ લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ ન હોવાનું સામે આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. પરિવારે બેદરકારી બદલ કાર્યવાહી કરતાં સિસ્ટમમાં સુધારો કરવાની માગ કરી છે. પરિવારજનોએ જણાવ્યું કે, ‘અમારા પિતા માનતા હતા કે આપણા કારણે કોઈ હેરાન ન થવું જોઈએ, તેથી કોઈ સામે પગલાં ન લેવાય; પરંતુ આવી ભૂલ ફરી કોઈ પરિવાર સાથે ન બને તેની તકેદારી જરૂરી છે’.

મૃતદેહની અદલાબદલીનો આ પહેલો કિસ્સો નથી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલીનો અગાઉ પણ ગંભીર બનાવ સામે આવી ચૂક્યો છે. બિનવારસુ મૃતદેહના વારસદાર મળી આવતા અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપાયો હતો. સ્વયંસેવક મૃતદેહને રામનાથપરા સ્મશાન લઈ ગયા હતા. જોકે, ત્યાં હાજર એક સ્વજને મૃતદેહ ઓળખી આ વ્યક્તિ અન્ય હોવાનું જણાવતાં ચકચાર મચી હતી. ત્યારબાદ મૃતદેહને ફરી સિવિલ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં પરત લાવવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક