• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ઘઉંના ટેકાના ભાવમાં 25 રૂપિયાનો વધારો

રવી પાકોની મૂલ્યનીતિ માટે 90,962 કરોડ રૂપિયાની જોગવાઈ : કેબિનેટે પીએમ ધારા યોજના માટે 1,86,405 કરોડ રૂપિયા મંજૂર કર્યા

 નવીદિલ્હી, તા.30 : કેન્દ્રીય કેબિનેટે કિસાનોનાં હિત માટે આજે કેટલાક મહત્ત્વના નિર્ણયો કર્યા છે. કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ઘઉંનાં ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો છે. રવી પાકોની મૂલ્ય નીતિ માટે કુલ 90,962 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ ત્રણ મોટી યોજનાઓ માટે પણ કુલ 2,79,157 કરોડ રૂપિયાથી વધુનાં ભંડોળને પણ મંજૂરી આપવામાં આવી છે.

રવી સીઝન 2027-28 માટે ઘઉંનાં ટેકાના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે હવે ઘઉંનો લઘુતમ સમર્થન ભાવ 2610 રૂપિયા પ્રતિ ક્વિંટલ રહેશે. આ વધારો કિસાનોને તેની ઉપજનાં બહેતર ભાવ મળે તે હેતુથી કરવામાં આવ્યો છે. કેબિનેટે રવી પાકની મૂલ્ય નીતિ માટે 90,962 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રાશિ વર્ષ 2027-28 માટે છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિ પડતર અને મૂલ્ય આયોગ(સીએસીપી) દ્વારા છ મુખ્ય રવી પાકો માટે એમએસપીની ભાલમણો કરી છે. ઘઉંની અનુમાનિત ઉત્પાદન પડતર 1264 રૂપિયા પ્રતિક્વિન્ટલ આંકવામાં આવી છે. જ્યારે સીએપીસી દ્વારા ટેકાનાં ભાવની ભલામણ 2610 રૂપિયા કરવામાં આવી છે. આ દરે ખેડૂતોને પડતર ઉપર 106 ટકા ચોખ્ખો નફો મળશે.

આવી જ રીતે રાયડાની ઉત્પાદન પડતર 3367 રૂપિયા પ્રતિ ક્વિંટલ છે અને તેનાં ટેકાના ભાવનું સૂચન 6613 રૂપિયા છે. જે 96 ટકા નફાનો ગાળો આપે છે. મસૂરની દાળમાં 3854ની પડતર સામે 7390 રૂપિયા ટેકાના ભાવથી 92 ટકા નોફ, ચણામાં 3751 રૂપિયાની પડતર સામે 5958 રૂપિયા એમએસપીથી 59 ટકા નફો, જવની 1447 રૂપિયા પડતર સામે 2286 રૂપિયા ટેકાના ભાવથી 58 ટકા નફો અને કુસુમની 4810 રૂપિયા પ્રતિ ક્વિંટલ પડતર સામે 7215 રૂપિયા ન્યૂનતમ સમર્થન મૂલ્યથી 50 ટકા જેટલો નફો પ્રાપ્ત બને છે.

અન્ય એક મહત્ત્વનો નિર્ણય પીએમ ધારા યોજના સંબંધિત કરવામાં આવ્યો હતો. આ યોજના માટે 1,86,405 કરોડ રૂપિયા સ્વીકૃત થયા છે. આ યોજના બિનપરંપરાગત ઊર્જા સુધી પહોંચ વધારવા માટે સહાયક બનશે. રાજધાની દિલ્હીમાં ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ(આઇટીએમએસ) માટે પણ 1790 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક