વિન્ડિઝના 405 રનને ભારતે 43.3 ઓવરમાં પાર પાડયા : વનડેમાં માત્ર બીજી વખત 400 પ્લસ રનચેઝ : ગિલની વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી
બરસાપાર, તા. 30 : ગુવાહાટીના બરસાપાર સ્ટેડિયમમાં ભારતે પહેલી વખત 400 પ્લસનો રનચેઝ વનડે ક્રિકેટમાં હાંસલ કર્યો હતો.
મુકાબલાને ભારતીય ટીમે આઠ વિકેટે જીતીને અનેક રેકોર્ડ બનાવ્યા હતા. ખાસ કરીને પુરા મેચની શાન શુભમન ગિલ રહ્યો હતો. જેણે ધમાકેદાર અને વનડેની સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. ગિલે 133 બોલમા 223 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. જ્યારે રોહિત શર્માએ પણ મુકાબલામાં શાનદાર 101 રન કર્યા હતા. જેની મદદથી વિન્ડિઝે આપેલા 406 રનના લક્ષ્યને માત્ર 43.3 ઓવરમાં બે વિકેટે પાર કરીને શ્રેણી પણ ભારતે નામે કરી લીધી હતી. 2006મા દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે ચેઝ કરેલા ઐતિહાસિક 438 રન બાદ 20 વર્ષે બીજી વખત 400 પ્લસ રનનો સફળ રનચેઝ થયો હતો. ગિલે રનચેઝ કરતા ભારત તરફથી સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ મુકાબલામાં ભારતીય કેપ્ટન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. વિન્ડિઝે પહેલા રમતા 405 રનનો સ્કોર કર્યો હતો. જેને પામવા ઉતરેલી ભારતીય ટીમે મજબુત શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે ખુલીને શોટ રમ્યા હતા. આ દરમિયાન ગિલે માત્ર 62 બોલમાં સદી પુરી કરી હતી. રોહિતે 72 બોલમાં સદી કરી હતી. જો કે બાદમાં 101 રને આઉગ થયો હતો. રોહિત અને ગિલ વચ્ચે પહેલી વિકેટ માટે 255 રનની મોટી ભાગીદારી થઈ હતી. બાદમાં આવેલા વિરાટ કોહલીએ 19 બોલમાં 29 રન કર્યા હતા. જ્યારે ગિલે 117 બોલમાં બેવડી સદી પુરી કરી હતી. ભારતે 43.3 ઓવરમાં લક્ષ્ય પાર પાડીને શ્રેણીમાં 2-0ની અજેય બઢત પણ બનાવી લીધી હતી. ગિલ સાથે ઋતુરાજ ગાયકવાડ પણ 31 રને નોટઆઉટ પરત ફર્યો હતો.
મુકાબલામાં વિન્ડિઝે પહેલા રમતા શાનદાર બેટિંગ કરી હતી. જોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જંગુએ સદી કરી હતી. કેમ્પબેલે 68 બોલમા પાંચ છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 101, શાઈ હોપે 94 બોલમાં ત્રણ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 104 તેમજ અમીર જંગુએ 77 બોલમાં ત્રણ છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી 114 રન ફટકાર્યા હતા. જેની મદદથી વિન્ડિઝની ટીમ 50 ઓવરમાં સાત વિકેટના નુકસાને 405 રન સુધી પહોંચી હતી. ભારત તરફથી આકિબ નબી, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને 2-2 વિકેટ મળી હતી. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી.
હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર
રન ખેલાડી
264 રોહિત શર્મા
237 માર્ટિન ગપ્ટિલ
223 શુભમન ગિલ
219 વીરેન્દ્ર સેહવાગ
215 ક્રિસ ગેલ
ગિલ 10મી વખત પ્લેયર ઓફ ધ મેચ
2022 બાદ વનડે ક્રિકેટમાં શુભમન ગિલે સૌથી વધારે 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. વિરાટ કોહલી અને ટ્રાવિસ હેડ 9-9 વખત એવોર્ડ જીતીને બીજા ક્રમાંકે છે. જ્યારે વિન્ડિઝના શાઈ હોપ અને શ્રીલંકાના કુસલ મેન્ડીસે 8-8 વખત એવોર્ડ જીત્યો છે.
વનડે ઈતિહાસમાં 400 પ્લસનો માત્ર બીજો સફળ રનચેઝ
ભારત પહેલા વનડે ક્રિકેટમાં 400થી વધારેનો ટોટલ માત્ર દક્ષિણ આફ્રિકાએ સફળ ચેઝ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ જોહનિસબર્ગમાં ઓસ્ટ્રીલયા સામે 435 રનનો ટાર્ગેટ પાર કર્યો હતો.
ઈશાનનો રેકોર્ડ તુટયો
શુભમન ગિલે સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ અગાઉ ઈશાન કિશને 2022મા બંગલાદેશ સામે 126 રનમાં બેવડી સદી પુરી કરી હતી. આ શુભમન ગિલની બીજી બેવડી સદી પણ છે. તેણે 2023મા ન્યુઝિલેન્ડ સામે 149 બોલમાં 208 રન કર્યા હતા.
સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
બોલ ખેલાડી વિરૂદ્ધ સ્થળ વર્ષ
117 શુભમન ગિલ વિન્ડિઝ ગુવાહાટી 2026
126 ઈશાન કિશન બંગલાદેશ ચટગાંવ 2022
128 ગ્લેન મેક્સવેલ અફઘાનિસ્તાન વાનખેડે 2023
136 પથુમ નિસાંકા અફઘાનિસ્તાન પલ્લેકેલે 2024
138 ક્રિસ ગેલ ઝિમ્બાબ્વે કેનબરા 2015
ભારતમાં સૌથી મોટો રનચેઝ
ટીમ સ્કોર ઓવર લક્ષ્ય વિરૂદ્ધ વર્ષ
ભારત 406-2 43.3 405 વિન્ડિઝ 2026
ભારત 362-1 43.3 360 ઓસ્ટ્રેલિયા 2013
દ.આફ્રિકા 362-6 49.2 360 ભારત 2025
ઓસ્ટ્રેલિયા 359-6 47.5 359 ભારત 2019
ભારત 356-7 48.1 351 ઈંગ્લેન્ડ 2017
ભારત 351-4 49.3 351 ઓસ્ટ્રેલિયા 2013