• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

દુબઈથી ઈઝરાયલ જતાં વિમાનને હાઇજેક, ક્રેશ કરવાની કોશિશ

ગુજરાતી પાયલટ ઉપર હુમલો કરનાર સહપાયલટ ઉપર કાબૂ મેળવીને વિમાનને સહીસલામત ઉતારાયું : ઈઝરાયલે ગણાવ્યું આતંકી કૃત્ય

નવીદિલ્હી, તા.30 : સંયુક્ત અરબ અમિરાત(યુએઈ)માં દુબઈથી ઈઝરાયલ જઈ રહેલાં એક વિમાનને હાઇજેક કરીને ક્રેશ કરવાની કોશિશથી હડકંપ મચી ગયો હતો. 100થી વધુ ઈઝરાયલી નાગરિકો સહિત કુલ 180 યાત્રીઓ સાથેનાં ફ્લાયદુબઈનાં વિમાન એફઝેડ-1073માં બે પાયલટ વચ્ચે મારાપીટ થઈ ગઈ હતી અને આ દરમિયાન વિમાનમાંથી અપરાધિક હસ્તક્ષેપનો સંકેત આપતા 7500 નંબરનાં કોડ મોકલવામાં આવતાં વિમાનની સલામતી માટે ઈઝરાયલી વાયુસેનાનાં બે યુદ્ધ વિમાનોને રવાનાં કરવામાં આવ્યા હતાં. આખરે આ વિમાનને સાઉદી અરબમાં તબૂક એરપોર્ટ ઉપર સલામત રીતે ઉતારી લેવામાં સફળતા મળી હતી.

મીડિયાનાં હેવાલો અનુસાર ભારતીય(મૂળ ગુજરાતી) પાયલટ ઉપર ચાકુથી હુમલો કરીને ઓમાનનાં સહપાયલટે વિમાનનું અપહરણ કરીને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ખળભળાટ મચી ગયો હતો.

જો કે ચાકુથી ઈજા થવા છતાં ભારતીય પાયલટની બહાદૂરી અને સૂઝબૂઝ, યાત્રીઓ અને ક્રૂ મેમ્બરોએ તેને કાબૂમાં લઈને વિમાનને સહીસલામત ઉતારી લીધું હતું. આ ઘટનામાં સંદિગ્ધ હુમલાખોર સહપાયલટ ઓમાનનો હોવાનું કહેવામાં આવે છે. તે વિમાનને કાબૂમાં લઈને જમીન ઉપર ટકરાવી દેવાનો ઈરાદો ધરાવતો હોવાની આશંકા પેદા થઈ ગઈ હતી.

ઈઝરાયલના મીડિયાના અહેવાલો અનુસાર દુબઈથી તેલઅવીવ જઈ રહેલી ફ્લાઇટમાં થયેલા હુમલામાં સહપાયલટે વિમાનને ક્રેશ કરવાની કોશિશ કરી હતી. આ મારામારી વેળા વિમાન આકાશમાં આશરે 15 હજાર મીટર જેટલું નીચું આવી ગયું હતું. વિમાનમાં મોજૂદ અન્ય બે પાયલટે વિમાનને સુરક્ષિત ઉતાર્યું હતું. વિમાન ઉતારનાર પાયલટ ભારતીય હોવાનું જાણવા મળે છે. ઈઝરાયલે આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવીને આકરી પ્રતિક્રિયા આપી છે.

આ ઘટનાએ ઈઝરાયલની ચિંતા વધારી દીધી છે. પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ સુરક્ષા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઈઝરાયલનાં નાણામંત્રીએ આ ઘટના માટે જવાબદાર લોકોને કઠોર દંડ કરવાની વાત કરી હતી ને કહ્યું હતું કે, જે કોઈપણ આમાં જવાબદાર હશે તેને હત્યારા સમાન ગણીને સજા કરવામાં આવશે. આવા દુશ્મનોનો પીછો થશે અને સફાયો કરી નાખવામાં આવશે.

 

ગુજરાતનું પાણી બતાવતો પાયલટ સ્મિત મચ્છર

 

રાજકોટ, તા.30: દુબઈથી તેલઅવીવ જતાં વિમાનનાં અપહરણ અને તોડી પાડવાનાં પ્રયાસમાં 180 યાત્રી સહિત વિમાનને સલામત રીતે ઉતારનાર સાહસિક પાયલટ ગુજરાતી સ્મિત મચ્છર હતાં. અહેવાલ મુજબ, તેમના કો-પાઇલટે ફ્લાઇટ દરમિયાન વિમાનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો અને સ્મિત મચ્છર સાથે મારપીટ પણ કરી હતી. સ્મિત મચ્છર મૂળ ગુજરાતી નાગર સમુદાયનાં હોવાનું કહેવામાં આવે છે. ફ્લાયદુબાઈની ફ્લાઇટ 1073ના કેપ્ટન હતા. આ ફ્લાઇટમાં આશરે 180 મુસાફર અને ક્રૂ સભ્યો સવાર હતા, ત્યારે કોકપિટની અંદર ઉગ્ર અથડામણ થઈ હતી. અહેવાલો અનુસાર, ઓમાની કો-પાઇલટે કથિત રીતે મચ્છર પર હુમલો કર્યો અને બોઇંગ 737 વિમાનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વિમાને સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

સ્મિત મચ્છર અગાઉ સ્પાઇસજેટમાં પાઇલટ તરીકે ફરજ બજાવતા હતા. જૂન 2022માં તેઓ ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાયદુબાઈ સાથે જોડાયા હતા. તેમની પ્રોફેશનલ પ્રોફાઇલ મુજબ, તેમને કોમર્શિયલ ઉડ્ડયનનો 13 વર્ષથી વધુનો અનુભવ છે અને બોઇંગ 737 વિમાન પર આશરે 9,750 કલાકનો ફ્લાઇંગ અનુભવ છે. તેમાં બી737-800 અને બી737 મેક્સ વેરિઅન્ટ્સનો પણ સમાવેશ થાય છે. ફ્લાયદુબાઈમાં જોડાતા પહેલાં મચ્છરે સ્પાઇસજેટ સાથે 11 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું હતું, જ્યાં તેમણે સિનિયર કમાન્ડર અને ત્યારબાદ લાઇન ટ્રાનિંગ કેપ્ટન તરીકે સેવા આપી હતી. તેમની પ્રોફાઇલ મુજબ, તેમણે આ એરલાઇન સાથે 9,500થી વધુ ફ્લાઇંગ કલાક નોંધાવ્યા હતા, જેમાં 6,400થી વધુ કલાક પાઇલટ-ઇન-કમાન્ડ તરીકેના હતા. તેમના અનુભવમાં પાઇલટ તાલીમ, ફ્લાઇટ ચેક્સ, ક્રૂ રિસોર્સ મેનેજમેન્ટ, ફ્લાઇટ સ્ટાન્ડર્ડ્સ અને બોઇંગ 737 ઓપરેશન્સનો પણ સમાવેશ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક