• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

નર્મદા ડેમ છલકાયો, 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોચ્યો

CM ભૂપેન્દ્ર પટેલે વૈદિક મંત્રોચ્ચાર સાથે જળપૂજન કરી લોકમાતા નર્મદાના નીરના વધામણાં કર્યા

 

અમદાવાદ, વડોદરા, તા.30 : ગુજરાતની જળ અને કૃષિક્રાંતિની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ 138.68 મીટર (455 ફૂટ)ની સપાટીએ પહોંચ્યો છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર ખાતે ડેમ સાઇટ પર પહોંચીને વૈદિક મંત્રોચ્ચાર સાથે જળપૂજન કરી લોકમાતા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.

સરદાર સરોવર જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા ઉમંગભર્યા વાતાવરણમાં યોજાયેલા જળપૂજન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમ થકી ગુજરાતના 10,453 ગામો, 191 શહેરો અને 7 મહાનગરપાલિકાઓની ચાર કરોડથી વધુ વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘનમીટર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યા બાદ નર્મદા ડેમ વર્ષ 2019, 2020, 2022, 2023, 2024, 2025 અને 2026માં મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજા વર્ષે નર્મદા નીરનું જળપૂજન કરીને જળશક્તિની વંદનાની પરંપરા આગળ ધપાવી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સામાન્ય વર્ષોમાં ગુજરાતને મળતા 9 મિલિયન એકર-ફૂટ પાણીની સામે ચાલુ વર્ષે આશરે 7.9 મિલિયન એકર-ફૂટ પાણી ઉપલબ્ધ છે. તેથી પાણીના દરેક ટીપાનો કરકસરપૂર્વક અને આયોજનબદ્ધ ઉપયોગ કરવો સૌની સામૂહિક જવાબદારી છે.

ચાલુ જળવર્ષમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ 201 એમસીએમ પાણીથી 1,028 તળાવો, જ્યારે સૌની યોજના હેઠળ 288 એમસીએમ પાણીથી 167 તળાવો, 1,014 ચેકડેમ અને 45 ડેમ ભરવામાં આવ્યા છે. આથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા જળવિતરણને વેગ મળ્યો છે.

 

રાષ્ટ્રાર્પણ બાદ સાતમી વખત મહત્તમ સપાટીએ

 

સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટર (455 ફૂટ)ની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યા બાદ વર્ષ 2019, 2020, 2022, 2023, 2024, 2025 અને 2026માં ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘનમીટર છે. નર્મદા જળ ગુજરાતના પીવાના પાણી ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તળાવો, ચેકડેમ અને ડેમ ભરવા માટે પણ મહત્ત્વપૂર્ણ આધાર બની રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક