• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

દાદા-દાદીની ટ્રેક્ટરથી હત્યા કરનારને આજીવન કેદ

જમીનના ભાગની અદાવતમાં ડબલ મર્ડર કેસમાં બોટાદ કોર્ટનો ચુકાદો

બોટાદ, તા.6: બોટાદ જિલ્લાના ધ્રુફણિયા ગામે વડીલોપાર્જિત જમીનના ભાગ પાડવાના મુદ્દે અદાવત રાખી દંપતીની ટ્રેક્ટર ચડાવી હત્યા કરવાના કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે. તા.23 ઓગસ્ટ 2023ના રોજ ગણેશભાઈ રણછોડભાઈ રાધવાણી અને તેમના પત્ની બાધુબેન ગણેશભાઈ રાધવાણી મોટરસાઇકલ પર વાડીએ જતા હતા ત્યારે ચંદન ડુંગરવાળા રોડ પર આરોપીએ ટ્રેક્ટર સાથે જોડેલા સાધન વડે તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી અને ત્યારબાદ ટ્રેક્ટર આગળ-પાછળ કરી બંનેને કચડી નાખ્યા હોવાનો કેસ હતો.

આ બનાવમાં મૃતકના પુત્ર રમેશભાઈ ગણેશભાઈ રાધવાણીની ફરિયાદના આધારે ગઢડા પોલીસે જયદિપભાઈ વશરામભાઈ રાધવાણીની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. કેસમાં સરકાર પક્ષે 22 સાક્ષી અને 60 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષ સહાય જે. પરાશરે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી હતી. કેસમાં વિથ પ્રોસીક્યુશન તરીકે એડવોકેટ અરાવિંદભાઈ એસ. મેટાકલયા જોડાયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક