• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

હાર્દિક, બુમરાહ અને સિરાજ ભારત માટે એક્સ-ફેક્ટર ઃ સૌરવ ગાંગુલી દાદાએ હાર્દિકની ફિટનેસને ગંભીર માટે સૌથી મોટો પડકાર ગણાવી

નવી દિલ્હી, તા.5 ઃ 2027ના વનડે વર્લ્ડ કપ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ રસપ્રદ અને ચોંકાવનારું વિશ્લેષણ રજૂ કર્યું છે. ગાંગુલીએ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટર્સનાં નામોને બાજુ પર રાખ્યા છે. ગાંગુલીના મતે, હાર્દિક પંડÎા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આગામી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી નિર્ણાયક ‘એક્સ-ફેક્ટર’ સાબિત થશે.

 ગાંગુલીએ ભારતીય ટીમના સંતુલન પર વિશેષ ભાર મૂકતા સ્પષ્ટ કર્યું કે, હાર્દિક પંડ્યા પ્લેઇંગ ઇલેવનના કેન્દ્રાબિંદુ છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સમગ્ર ટીમ મેનેજમેન્ટ માટે હાર્દિકને સંપૂર્ણપણે ફિટ રાખીને મેદાન પર ઉતારવો એ સૌથી મોટો અને કઠિન પડકાર રહેશે. ગાંગુલીએ સ્વીકાર્યું કે હાર્દિક કદાચ પૂરતું નિયમિત ક્રિકેટ રમતો નથી પરંતુ ટીમના સંતુલન માટે તે અનિવાર્ય છે. જો હાર્દિક ઇજાગ્રસ્ત થાય તો ભારત પાસે નીતિશ રેડ્ડી આગામી શ્રેષ્ઠ વિકલ્પ છે પરંતુ તેના માટે રેડ્ડીને વર્લ્ડ કપ સુધી સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાડીને તૈયાર કરવો પડશે.

દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી અને ઝડપી પીચોનો સંદર્ભ આપતાં ગાંગુલીએ રણનીતિની વાસ્તવિકતા જણાવી હતી. તેમના મતે ઓક્ટોબર મહિનામાં દક્ષિણ આફ્રિકાની પીચ પર ભારતને સક્ષમ સીમ-બાલિંગ ઓલરાઉન્ડરની તાતી જરૂર પડશે, કારણ કે ભારતીય લાઇનઅપમાં ટોપ-5 બેટર્સમાંથી કોઈ બાલિંગ કરતું નથી. આવી સ્થિતિમાં પાંચમા કે છઠ્ઠા બાલિંગ વિકલ્પ માટે પેસ-ઓલરાઉન્ડર અનિવાર્ય બની જાય છે. રવીન્દ્ર જાડેજા નંબર-7 પર બેટર હોવા છતાં કન્ડિશન્સને ધ્યાને રાખીને પેસ વિકલ્પ શોધવો જ પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક