• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

જીરુંના વાવેતર ખૂબ ઘટશે ? તેવી શક્યતાએ એકાએક ભભૂકતી તેજી

નબળા વર્ષને લીધે પાણીની તંગી, વાવેતરની અનિશ્ચિતતાની અસર

રાજકોટ, તા. 6(ફૂલછાબ ન્યૂઝ) : જીરુંમાં એકાએક ઝડપી તેજી થઇ જવાને લીધે નવા પાકના વાયદામાં ટોપ ભાવ બની ગયા છે. જીરુંના વાવેતરનો સમય પાકતો જાય છે પણ હજુ વાતાવરણ ગરમ છે. ઓછાં વરસાદે પાણીની ખેંચ છે અને પાકને પૂરતી ઠંડી નહીં મળે એવા ફફડાટ વચ્ચે વાયદામાં તેજીવાળાઓએ ધમસાણ મચાવતા જોરદાર ઉછાળો આવી ગયો છે.

એનસીડેક્સમાં જીરુંનો નવેમ્બર મહિનાનો વાયદો રૂ. 24,395નું ટોપ બનાવી આવ્યા પછી મોડેથી રૂ. 24,200 આસપાસ અથડાઇ રહ્યો હતો. છેલ્લે જાન્યુઆરી મહિનામાં વાયદો રૂ. 25,145ના મથાળે ગયો હતો. એ પછી વ્યાપક મંદીમાં 2 જૂનના રોજ રૂ.18,895નું તળિયું વાયદાએ બનાવ્યું હતું. જોકે એ પછી હવે શાનદાર તેજી થઇ ગઇ છે. જેનાથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.

ઉંઝાના વેપારીઓ કહે છે, ચાલુ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડયો છે. જીરૂ પાકે છે તે બેલ્ટમાં પાણી ઘણું ઓછું છે. જો વાવેતર કરવામાં આવે તો પછી પાણીની સમસ્યા થાય તેમ છે. વળી અલનીનોની અસરને લીધે ચાલુ વર્ષે ઠંડી પૂરતી નહીં પડે તેવો ફફડાટ છે. જ્યાં પાણી છે કે જ્યાં ઠીક ઠીક ખાધ છે ત્યાં જીરૂને અપાય તેટલો જથ્થો પાણીનો મળશે એટલે વાવેતર થઇ શકે છે. પણ એકંદર વાવેતરમાં મોટો કાપ સૌને દેખાવા લાગ્યો છે એટલે બજાર ઉંચકાઇ ગઇ છે.

ગુજરાતમાં હજુ વાવેતરનો આરંભ થયો નથી. સામાન્ય વર્ષોમાં નવરાત્રિ આસપાસનો સમય ઠંડી શરૂ થઇ જતી હોય છે ત્યારે વાવવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જોકે અત્યારે માત્ર સવારે અને મોડી રાત્રે સ્હેજ ટાઢોડું હોય છે પણ બપોરે ધૂમ તાપ પડી રહ્યા હોવાથી વાવેતર કરવાનું જોખમ લેવા કોઇ તૈયાર નથી. હાલના સંજોગો તેજીના છે. એમાં ય વાવેતર મોટાંપાયે ઘટતું દેખાય તો નવા જૂની થવાના એંધાણ છે.

વાયદા બજારમાં પાછલા એક સપ્તાહમાં જીરુંનો ભાવ રૂ. 2145 ઉંચકાઇ ગયો છે. તેની અસરથી સીંગાપોર ક્વોલિટીમાં 1 ટકો ફોરેન મેટર કંડીશનનો ભાવ રૂ.4800 ચાલી રહ્યો હતો. તેમાં પણ સપ્તાહમાં રૂ. 420ની તેજી થઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક