• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

અમદાવાદ, મુંબઇમાં તાયલ ગ્રુપ પર ઇડીના દરોડા, 12 સ્થળે સર્ચ ; 215 બેંક ખાતા ફ્રીઝ

બેંક ફ્રોડ, મની લોન્ડારિંગ અને ઈંઇઈના દુરુપયોગના કેસમાં ચાલી રહી છે તપાસ : પ્રવિણ તાયલના રહેણાંક સ્થળેથી રૂ.20 લાખ રોકડ પણ જપ્ત કરવામાં આવી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 6: અમદાવાદ અને મુંબઈમાં તાયલ ગ્રુપ સાથે જોડાયેલા સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરીંગ કાયદા હેઠળ કોલકાતા ઝોનલ ઓફિસ દ્વારા અમદાવાદ અને મુંબઈના કુલ 12 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તાયલ ગ્રુપના પ્રમોટર-ડિરેક્ટર પ્રવીણ તાયલ, સૌરભ તાયલ સહિત અન્ય લોકો સામે બેંક ફ્રોડ, મની લોન્ડારિંગ અને આઈબીસીના દુરુપયોગના કેસમાં તપાસ ચાલી રહી છે.

આ ઉપરાંત પ્રવિણ તાયલના રહેણાંક સ્થળેથી રૂ.20 લાખ રોકડ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન છુપાવવામાં આવેલી વિવિધ સ્થાવર મિલકતો સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે.

તપાસ એજન્સીના અનુસાર તાયલ ગ્રુપની કંપનીઓ દ્વારા રૂ.820.86 કરોડની કથિત બેંક છેતરાપિંડીના ગુનાની રકમ હોવાનું સામે આવ્યું છે. આરોપ મુજબ ખોટા સ્ટોક સ્ટેટમેન્ટ, ઉત્પાદન વધારવાના દાવા અને ગીરો રાખવામાં આવેલી મશીનરીના ગેરકાયદે વેચાણ સહિતની રીતો દ્વારા બેંકમાંથી ફંડ મેળવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન શેલ કંપનીઓ અને બેંક ખાતાઓ સાથે જોડાયેલા દસ્તાવેજો તથા વિવિધ રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઇડીની કાર્યવાહી દરમિયાન આરોપીઓ સાથે જોડાયેલા કુલ 215 બેંક ખાતા પીએમએલએ હેઠળ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

ઇડીની તપાસ મુજબ ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ એટલે કે આઈબીસીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઇડીની સંપત્તિ અટેચમેન્ટની કાર્યવાહી નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ મામલે રિઝોલ્યુશન પ્રોફેશનલ્સ કિરણ સી. શાહ, વિનોદ પી. અંબાવત અને રવિ કપૂર સાથે જોડાયેલા પરિસરોમાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક