• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ભારતે વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું : ઐયરની તોફાની સદી

નમન ધીરે ડેબ્યૂ મેચમાં 3 વિકેટ લીધી, ભારત શ્રેણીમાં 1-0થી આગળ

  લખનૌ, તા.6: લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલા પાંચ મેચોની ટી20 શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. કેપ્ટન શ્રેયસ ઐયરની અણનમ તોફાની સદી અને ઇશાન કિશન સાથેની ત્રીજી વિકેટની સદીની ભાગીદારીના જોરે ભારતે 172 રનનો લક્ષ્યાંક માત્ર 14.4 ઓવરમાં 32 બોલ બાકી રાખીને સરળતાથી સર કરી લીધો હતો. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે.

પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી કેરેબિયન ટીમ 19.1 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી કેપ્ટન શાઈ હોપે ઇનિંગ સંભાળતાં 37 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 52 રન ફટકાર્યા હતા. મધ્યમ ક્રમમાં શેરફેન રધરફોર્ડે વિસ્ફોટક બાટિંગનું પ્રદર્શન કરતાં 34 બોલમાં 56 રન (6 ચોગ્ગા, 3 છગ્ગા) બનાવી ટીમનો સ્કોર 170ને પાર પહોંચાડ્યો હતો. જોકે, ભારતીય બાલિંગ આક્રમણે સમયસર વાપસી કરી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા યુવા ઓલરાઉન્ડર નમન ધીરે ડેબ્યૂ મેચમાં જ 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. સ્પિન વિભાગમાં અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ચુસ્ત બાલિંગનું પ્રદર્શન કરી 2-2 વિકેટ પોતાના નામે કરી હતી, જ્યારે અર્શદીપ સિંહ અને મયંક યાદવને 1-1 સફળતા મળી હતી. શ્રેયસ ઐયરના શાનદાર રનઆઉટ સહિત ભારતીય બોલરોના સામૂહિક પ્રહારે વિન્ડિઝના મોટા સ્કોરના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

172 રનના ટાર્ગેટ સામે ભારતે પાવરપ્લેમાં જ 29 રને અભિષેક શર્મા (21 રન) અને 35 રને સંજુ સેમસન (11 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. બે પ્રારંભિક આંચકા છતાં ક્રિઝ પર આવેલા કેપ્ટન શ્રેયસ ઐયરે વળતો પ્રહાર કરીને મુકાબલો એકતરફી બનાવી દીધો હતો. ઐયરે કેરેબિયન બોલરો પર આક્રમણ બોલાવતાં માત્ર 43 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 237.21ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટ સાથે અણનમ 102 રનની મેચ-વાનિંગ ઇનિંગ રમી હતી. બીજા છેડે વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશને 27 બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ 37 રન બનાવીને કેપ્ટનને સાથ આપ્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે રચાયેલી 137 રનની અણનમ ભાગીદારીએ વિન્ડિઝના બાલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખી ભારતને 15મી ઓવરમાં જ ભવ્ય વિજય અપાવી દીધો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક