• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

સરકારના આશ્વાસન બાદ વકીલોની હડતાલનો અંત, બાર કાઉન્સિલની જાહેરાત

ભાડા વિધેયકમાં જરૂરી સુધારા કરવા માટે 5 સભ્યોની કમિટી રચાશે, 10-15 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.10: ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલા ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથે વકીલ આગેવાનોની બેઠક અને તેમાં મળેલા આશ્વાસન બાદ વકીલોની હડતાલનો અંત આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને વકીલો અને સરકાર વચ્ચે મળેલી બેઠકમાં તમામ સત્તા જ્યુડિશિયલ ઓથોરિટી પાસે જ રખાશે તેવું આશ્વાસન અપાતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે મોડી સાંજે વકીલોની હડતાલ સમેટવાની જાહેરાત કરી હતી.

 નવા ભાડા વિધેયકમાં ભાડૂઆત અને મિલકત સંબંધિત સત્તા ન્યાયતંત્રને બદલે વહીવટી સત્તાધીશોને સોંપવાની વિવાદીત જોગવાઈને પગલે છેલ્લા છ દિવસથી રાજ્યના વકીલો હડતાલ પર ઉતર્યા હતા. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, સાબરકાંઠા, વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં વકીલ મંડળો અને હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા ઠેરઠેર દેખાવો અને પ્રદર્શનો યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સરકાર સાથેની બેઠકમાં ભાડા વિધેયકમાં જરૂરી સુધારા કરવા માટે 5 સભ્યની કમિટી રચવાનો નિર્ણય પણ લેવાયો છે. આ કમિટી સરકાર સાથે મળીને નવા કાયદામાં જરૂરી સુધારા વધારા અંગે પખવાડિયાની અંદર  પ્રક્રિયા પૂર્ણ કરશે. આ કમિટીમાં સ્મોલ કોઝ કોર્ટના હોદ્દેદારોને પણ સ્થાન આપવા અંગેની બાહેંધરી અપાઈ હોવાનું બેઠકમાં હાજર વકીલ આગેવાને જણાવ્યું હતું.

 સરકાર સાથે ચર્ચા અને મળેલા આશ્વાસન બાદ વિરોધ શાંત પડ્યો હતો અને આવતીકાલથી કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે તેમ એક વકીલ અગ્રણીએ જણાવ્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક