150નાં
દેશનિકાલની કાર્યવાહી શરૂ : બંગાળ મોકલી દેવામાં આવ્યા
નવી
દિલ્હી, તા.6: જમ્મુ-કાશ્મીર પ્રશાસને ગેરકાયદેસર રીતે રાજ્યમાં રહેતા 150 બાંગ્લાદેશી
નાગરિકોનાં દેશનિકાલની કાર્યવાહી હાથ ધરી છે. તેમને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસની મદદથી વહીવટીતંત્રે સમગ્ર કાશ્મીર ખીણમાં એક સર્વે હાથ ધર્યો
હતો. તેમાં આશરે 600 બાંગ્લાદેશી નાગરિકો કથિત રીતે ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું
સામે આવ્યું હતું.
અધિકારીઓના
જણાવ્યા અનુસાર, આ લોકોને શ્રીનગર પોલીસની દેખરેખ હેઠળના એક કેમ્પમાં રાખવામાં આવ્યા
હતા. હવે તેમને તેમના દેશ પરત મોકલવાની પ્રક્રિયા માટે અહીંથી બાગડોગરા લઈ જવામાં આવી
રહ્યા છે. આ કાર્યવાહી ગૃહ મંત્રાલય દ્વારા સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર સ્થળાંતર
અને વસ્તીવિષયક ફેરફારોની તપાસ માટે હાઈ લેવલ કમિટીની રચના કર્યા બાદ કરવામાં આવી છે.
સોમવારે
આ 150 લોકોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા બાગડોગરા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ
તેમને બીએસએફ જવાનોને સોંપવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશી
નાગરિકોના વધુ એક જૂથને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હેઠળ બુધવારે પશ્ચિમ બંગાળ મોકલવામાં
આવશે.