• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

નાના-મધ્યમ ઉદ્યોગો માટે રૂા. 10000 કરોડનું ભંડોળ

-કેબિનેટના નિર્ણય: પરિવહન અને લોજિસ્ટિક ઓથોરિટીની રચના

-કેન્દ્રીય કેબિનેટે મોદીની 25 વર્ષની શાસનસિદ્ધિ બિરદાવી

 

નવી દિલ્હી, તા.6: કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં દેશના લોજિસ્ટિક્સ ક્ષેત્ર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકારે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ ઓથોરિટી (આઈટીએલએ)ની રચનાને મંજૂરી આપી છે. આ ઉપરાંત દેશની એમએસએમઈ કંપનીઓ માટે 10,000 કરોડના ગ્રોથ ફંડ (વિકાસ ભંડોળ)ની સ્થાપના કરવાનો પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

બેઠકની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંધારણીય પદ (મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન પદ સુધી)25 વર્ષ પૂર્ણ કરવાના ઐતિહાસિક અવસર બદલ અભિનંદન પાઠવ્યા હતા અને અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં જીડીપી 7થી 8 ટકાના દરે વધી રહયો છે.  જ્યારે લોજિસ્ટિક્સની માંગ આશરે 10 ટકાના દરે વધી રહી છે. આ અર્થતંત્ર માટે એક મલ્ટીપ્લાયર ફેક્ટર છે. આ વધતી માંગને પહોંચી વળવા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આઈટીએલએની સ્થાપના કરવામાં આવી રહી છે. જે દેશમાં ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ પ્લાનિંગ, સંશોધન, પ્રોજેક્ટ મૂલ્યાંકન, મોનિટારિંગ, નીતિ સહાય અને ડેટા એનાલિટિક્સ માટેની સર્વોચ્ચ સંસ્થા તરીકે કામ કરશે. થોડા વર્ષો પહેલાં શરૂ કરવામાં આવેલા પીએમ ગતિશક્તિ પોર્ટલના આધારને આગળ વધારીને આ સંસ્થા આગામી 10થી 30 વર્ષમાં દેશની પરિવહન અને લોજિસ્ટિક્સ સંબંધિત જરૂરિયાતોનો અભ્યાસ કરશે. ઉદાહરણ તરીકે, દેશમાં ભવિષ્યમાં કેટલા નવા રેલવે નેટવર્ક, હાઈવે, એરપોર્ટ, સી-પોર્ટ અને આંતરિક જળમાર્ગોની જરૂર પડશે તેનો અભ્યાસ કરવામાં આવશે. આ ઓથોરિટી પરિવહનના તમામ સાધનો જેમ કે, રેલવે, બંદરો, નાગરિક ઉડ્ડયન, કોસ્ટલ શાપિંગ અને શહેરી એક સંકલિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જોડશે. નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપતાં કેબિનેટે મોટા નાણાકીય પેકેજની જાહેરાત કરી છે. દેશના એમએસએમઈ ઉદ્યોગોને તેમની ક્ષમતા વધારવા અને વિસ્તરણ કરવા માટે જરૂરી ગ્રોથ કેપિટલ ઉપલબ્ધ કરાવવાના હેતુથી 10,000 કરોડનું વિશેષ ફંડ બનાવવામાં આવશે. આ ભંડોળથી ઉત્પાદન ક્ષમતા વધારવામાં, નવી ટેકનોલોજી અપનાવવામાં, વ્યવસાયનું વિસ્તરણ કરવામાં, વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવામાં મદદ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક