નવરાત્રિ પર્વ પર માતાજીની આરતી
સમયે જ અનેક ગામોમાં લાઈટ કાપી નખાયાનો વિસાવદરના ‘આપ’ના ધારાસભ્યનો આક્ષેપ
રાજકોટ જામનગર, જૂનાગઢ તથા ભાવનગરની
ઈન્ડસ્ટ્રીઝને ફરજિયાત 4 કલાક ઉદ્યોગો બંધ રાખવા દબાણ
રાજકોટ તા.19 : ગુજરાતમાં હિન્દુઓના
પવિત્ર તહેવાર એવા નવરાત્રિ પર્વમાં અનેક ગામડાઓમાં સાંજે ગરબા લેવા તેમજ માતાજીની
આરતી સમયે લાઈટ કાપી નાખવામા ંઆવે છે. ભાજપની સરકાર ‘સ્ટેગરિંગ હોલીડે’ જેવા અંગ્રેજી
શબ્દો વાપરીને વીજધાંધિયા છુપાવી રહી છે તેવું આજરોજ શહેરમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું.
પત્રકારોને સંબોધતા તેઓએ વધુમાં
ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકાર કેટલી વીજળી ક્યા રાજ્યને કેટલા ભાવે વેંચે છે ? તે
અંગે ઉર્જામંત્રીએ મને લેખિતમાં આપેલા જવાબ મુજબ રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની
વીજળી પાણીના ભાવે બીજા રાજ્યો અને પ્રાઈવેટ કંપનીઓને વેંચે છે જેના પરિણામે નવરાત્રી
જેવા પાવનપર્વમાં અનેક ગામડાઓમાં છેલ્લા 20-25 દિવસથી ગરબા અને માતાજીની આરતી સમયે
વીજળી ગુલ થઈ જાય છે. ખાસ કરીને સાંજે 6 થી રાત્રે 9.30 સુધી અંધકાર પટ્ટ છવાઈ જાય
છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ અંધકાર
યુગનો વિરોધ કરવા તાજેતરમાં જૂનાગઢના ખેડૂતો સાથે અધિક્ષક ઇજનેરની કચેરીએ ‘ફાનસ’ આપવામાં
આવ્યું હતું. ખાસ કરીને રાજકોટ, જામનગર, જૂનાગઢ તથા ભાવનગરની ઈન્ડસ્ટ્રીઝને ફરજિયાત
4 કલાક ઉદ્યોગો બંધ રાખવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
ભાજપ સરકારને ચેતવણી આપીએ છીએ
કે વીજળી અને પીવાના પાણીની વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, નહિતર આમ આદમી પાર્ટી
જનતાને સાથે રાખીને રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે.