ભારતની
યાત્રાનાં એક દિવસ પહેલા અમેરિકી વિદેશમંત્રીનું મહત્ત્વનું વિધાન
નવીદિલ્હી,
તા.19: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી અંગે ખૂબ મહત્ત્વની વિગતો બહાર આવી રહી
છે. અમેરિકાનાં વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આજે કહ્યું હતું કે, બન્ને દેશ હવે ટ્રેડ
ડીલને આખરી ઓપ આપવાની ખૂબ જ નજીક પહોંચી ગયા છે.
રુબિયોએ
ઈઝ્બેકિસ્તાનનાં સમરકંદમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, તેઓ આવતીકાલે
મુંબઈ પહોંચશે અને પછી વિદેશ મંત્રી એસ.જયશંકરને પણ મળશે. આ ભારત પ્રવાસમાં તેઓ જામનગર
પણ જવાના છે. રુબિયોએ કહ્યું હતું કે, ભારત
સાથે વેપાર સમજૂતીને અંતિમ રૂપ આપવાની કોશિશો ચાલી રહી છે. જે હવે પૂર્ણ થવાની ખૂબ
જ નજીક છે. તેમણે આગળ કહ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત
ફેંસલા કરતી વખતે અનેક પરિબળોનો વિચાર કરવો પડતો હોય છે. આમાં વૈશ્વિક ઊર્જા પુરવઠો,
કિંમત અને વિભિન્ન દેશની જરૂરિયાતોને પણ ધ્યાને રાખવાની હોય છે.
રુબિયોએ
આગળ જણાવ્યું હતું કે, કેટલાક દેશો માટે ઊર્જાનાં અન્ય સ્રોતો તરફ તુરંત વળવું આસાન
હોતું નથી. તેમણે ભારતને અમેરિકાનો મહત્ત્વનો સહયોગી દેશ ગણાવતા કહ્યું હતું કે, વિદેશનીતિ
સાથે જોડાયેલા નિર્ણયોમાં આ તમામ પરિમાણો વચ્ચે સંતુલન જાળવવું પણ જરૂરી બની જાય છે.
ભારતે પોતાની ઊર્જાનાં સ્રોતોમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો છે પણ હજી તે રશિયા
પાસેથી મોટા પ્રમાણમાં ઊર્જા ખરીદે છે. ઊર્જાનાં સ્રોતોને એક દિવસમાં બદલી શકાતા નથી.
તેથી જ ટેરિફ સહિતનાં પ્રતિબંધોનાં નિર્ણય કરતાં પહેલા આ પરિસ્થિતિને પણ ધ્યાને રાખવી
પડે છે.