• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ચોટીલા : સીમમાં મધમાખીઓના હુમલાથી 70 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ

રાજપરા ગામે વાડીમાં કામ કરી રહેલા વૃદ્ધ પર મધમાખીઓના ઝુંડનો હુમલો

ચોટીલા, તા.19: ચોટીલા તાલુકાના રાજપરા ગામની સીમમાં મધમાખીઓના હુમલાની ઘટના સામે આવી છે. વાડીમાં કામ કરી રહેલા 70 વર્ષીય વૃદ્ધાનું મધમાખીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે રાજપરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજપરા ગામની સીમમાં આવેલી વાડીમાં ચોથીબેન વીરજીભાઈ રોજાસરા (ઉં. વ. 70) કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મધમાખીઓના ઝુંડે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. મધમાખીઓએ મોટી સંખ્યામાં ડંખ મારતાં તેમની તબિયત લથડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતાં પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડયો હતો.

મધમાખીઓના હુમલાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. મધપૂડાની આસપાસ મધમાખીઓની સતત અવરજવર રહેતી હોય તો નજીકમાં કામ કરતા લોકો પર ફરી હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજપરા ગામના ગ્રામજનોએ વન વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને જોખમી મધપૂડાને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક