ખોરાક
અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડો
રૂ.42
લાખની કિંમતનું શંકાસ્પદ ઘી સીઝ કરાયું
રાજકોટ,
તા. 19 : વડોદરા નજીક પોર જીઆઈડીસીમાં ચાલીસા ફૂડ્સ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા
દરોડો પાડવામા આવ્યો હતો. જેમાં અંદાજે રૂ.42 લાખની કિંમતનો 8,136 કિલો શંકાસ્પદ ઘીનો
જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
આ
અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેર નજીક પોર જીઆઈડીસીમાં આવેલી ખાદ્ય ચીજોનું ઉત્પાદન
કરતી ચાલીસા ફૂડ્સ નામની પેઢી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે તપાસ હાથ ધરી હતી. જાહેર નાગરિકની ફરિયાદના આધારે ડેઝિગ્નેટેડ ઓફિસર,
વડોદરા વર્તુળ કચેરીની ટીમે પેઢીના જવાબદાર મહેશભાઈ કાન્તીભાઈ ઠેસીયાની હાજરીમાં તપાસ
કરી હતી. આ દરમિયાન સ્ટોરેજ ટેન્કમાં પાકિંગ માટે તૈયાર રાખવામાં આવેલા 5,200 કિલો
શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.26 લાખ હોવાનું જણાવાયું
છે.
આ ઉપરાંત, સ્થળ પર અલગ-અલગ બ્રાન્ડ અને પેક સાઇઝમાં
પેક કરવામાં આવેલો 2,936 કિલો ઘીનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.16
લાખ થાય છે. આમ, ફૂડ વિભાગે કુલ રૂ.42 લાખની કિંમતનો 8,136 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો
સીઝ કર્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન આ જથ્થો બજારમાં વેચાણ માટે પહોંચે નહીં તે
હેતુથી કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. ફૂડ વિભાગે ઘીના ચાર
નમૂના લઈને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની
કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય
છે કે, ચાલીસા ફૂડ્સ સામે ઓગસ્ટ, 2026માં પણ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
હતી. તે સમયે પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને રૂ.2,23,600ની કિંમતનો જથ્થો સીઝ
કરવામાં આવ્યો હતો. અગાઉની કાર્યવાહીમાં પણ ધારાધોરણોનું પાલન ન થતું હોવાનું સામે
આવતાં પેઢીના જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે ફરી એકવાર
પેઢીમાંથી મોટો જથ્થો સીઝ કરવામાં આવતાં ફૂડ વિભાગની કાર્યવાહી ચર્ચામાં આવી છે.