સ્મૃતિ-શેફાલીના
ફોર્મથી ટીમ ઇન્ડિયા ઉત્સાહિત
નવી દિલ્હી, તા.19: ટોચના ક્રમના બેટર્સ લયમાં પરત
ફર્યા બાદ આત્મવિશ્વાસથી છલકાતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મંગળવારે રાયપુર ખાતે ઝિમ્બાબ્વે
સામે રમાનારા ત્રીજા અને અંતિમ ટી-20 ઇન્ટરનેશનલ મુકાબલામાં ક્લીન સ્વીપ કરવાના મક્કમ
ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી ચૂકેલી ટીમ ઇન્ડિયા આ મુકાબલો
જીતીને 3-0 થી શ્રેણી પોતાના નામે કરવા આતુર છે.
સ્મૃતિ મંધાનાએ સુકાનીપદ સંભાળ્યા બાદ શ્રેણીના પ્રથમ
મેચમાં દીપ્તિ શર્મા અને ડેબ્યુટન્ટ નિક્કી પ્રસાદની બાટિંગના જોરે ભારતે જીત મેળવી
હતી. બીજા ટી-20 મુકાબલામાં મંધાનાએ 25માં 47 રન અને શેફાલી વર્માએ માત્ર 25 દડામાં
55 રનની તોફાની ઇનિંગ્સ રમતાં ભારતે નવ વિકેટે એકતરફી વિજય હાંસલ કર્યો હતો.
આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વે
કેપ્ટન સ્મૃતિ મંધાનાનું ફોર્મમાં આવવું ભારત માટે સકારાત્મક પાસું છે. મંધાના અને
શેફાલીની વિસ્ફોટક ઓપાનિંગ જોડી ફરી એકવાર આક્રમક શરૂઆત અપાવી ઝિમ્બાબ્વેના બાલિંગ
આક્રમણ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, ઝિમ્બાબ્વેની ટીમે સપ્ટેમ્બરમાં વેસ્ટ
ઇન્ડીઝ સામે ઐતિહાસિક વન-ડે વિજય નોંધાવ્યો હતો, પરંતુ ટૂંકા ફોર્મેટમાં તેમની સ્થિતિ
કફોડી રહી છે. ઝિમ્બાબ્વે 2026ના કેલેન્ડર વર્ષમાં પોતાની તમામ 20 ટી-20 મેચો હારી
ચૂક્યું છે અને હજુ પણ વર્ષના પ્રથમ વિજયની શોધમાં છે. ઝિમ્બાબ્વેની ટીમ ઓપનર કેલિસ
નધલોવુ પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા રાખશે.