• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

મણિપુરમાં ત્રણની હત્યા પછી હોબાળો : શબ લઈને મુખ્યમંત્રી આવાસે ધસી ગયા સ્થાનિકો

ઉગ્રવાદીઓનાં ગોળીબારમાં 3 ઘાયલ, 3 લાપતા: રોષે ભરાયેલા ટોળા સામે પોલીસનો બળપ્રયોગ

ઈમ્ફાલ,તા.19: મણિપુરમાં જંગલમાંથી લાકડાં કાપતાં ત્રણ કઠિયારાની કથિત રીતે ઉગ્રવાદીઓ દ્વારા ગોળીમારીને હત્યા કરી નાખવામાં આવ્યા બાદ મામલો બિચકી ગયો હતો અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો હતો. ભડકેલા સ્થાનિકોનાં ટોળા બે મૃતદેહો લઈને મુખ્યમંત્રી આવાસ પાસે પહોંચી ગયા હતાં અને શબને ત્યાં રાખી દેતા હડકંપ મચી ગયો હતો.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ઈમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી જિલ્લાની સીમાએ 15-16 જેટલા કઠિયારાઓનાં સમૂહ ઉપર ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યા હતાં અને તેમાં ત્રણ લાપતા, ત્રણ ઘાયલ અને ત્રણનાં મૃત્યુ નીપજ્યા હતાં. આ લોકો સવારે 7 વાગ્યાનાં સુમારે પોતાનાં ગામ સમીપ એક પહાડ ઉપર લાકડા કાપવા ગયા ત્યારે આ હુમલો થયો હતો.

આ ઘટના પછી સ્થાનિકો ઉશ્કેરાઈ ગયા હતાં. મુખ્યમંત્રી વાય.ખેમચંદ સિંહે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઘાયલોની મુલાકાત લીધી હતી અને પછી સ્થાનિકો મૃતદેહો લઈને મુખ્યમંત્રી આવાસે ધસી ગયા હતાં. જ્યાં પહોંચીને બન્ને શબને મુખ્યમંત્રી આવાસનાં દરવાજે રાખી દેવામાં આવ્યા હતાં. આ દરમિયાન ટોળું બેકાબૂ બનતા તેને વિખેરવા પોલીસે અશ્રુવાયુ છોડયો હતો અને બળપ્રયોગ પણ કરવો પડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક