• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ટીમના નવા ચીફ સિલેક્ટર તરીકે પ્રજ્ઞાનની તાજપોશી

રમેશ પોવાર સિલેક્શન કમિટીમાં નવા સભ્ય તરીકે સામેલ

 મુંબઈ, તા.19 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને રાષ્ટ્રીય પસંદગી સમિતિના નવા ચેરમેન એટલે કે ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેનલના સભ્યો પૈકી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો અનુભવ ધરાવતા હોવાના આધારે ઓઝાને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અજિત અગરકરનું સ્થાન લેશે. આ સાથે જ પૂર્વ ઓફ-સ્પિનર રમેશ પોવારને સિલેક્શન કમિટીમાં નવા સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

મુંબઈ સ્થિત બીસીસીઆઇ હેડક્વાર્ટર ખાતે બોર્ડની ક્રિકેટ એડવાઇઝરી કમિટીના સભ્યો અશોક મલ્હોત્રા અને જાતિન પરાંજપે દ્વારા તમામ અરજીઓની ચકાસણી અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. બન્ને સભ્યોની સર્વસંમતતી બાદ પસંદગી સમિતિના ખાલી પડેલા પદ માટે રમેશ પોવારનાં નામ પર મહોર મારવામાં આવી હતી. પોવાર પાસે ભારતીય પુરુષ ટીમ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કામ કરવાનો ટેકનિકલ અનુભવ છે, જે સમિતિ માટે મૂલ્યવાન સાબિત થશે.

હવે પ્રજ્ઞાન ઓઝાના વડપણ હેઠળની નવી સિનિયર સિલેક્શન પેનલમાં શિવ સુંદર દાસ, રુદ્રપ્રતાપ સિંહ, અજય રાત્રા અને રમેશ પોવાર સભ્ય તરીકે ભૂમિકા ભજવશે. આ નવી સમિતિ સમક્ષ આગામી આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને વૈશ્વિક ટૂર્નામેન્ટ્સ માટે ટીમ કોમ્બિનેશન તૈયાર કરવાનો મુખ્ય પડકાર રહેશે. ખેલાડીઓના તાજેતરના ફોર્મ, ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટ વચ્ચે તાલમેલ જાળવીને નિષ્પક્ષ નિર્ણયો લેવાની મોટી જવાબદારી હવે ઓઝા બ્રિગેડના શિરે રહેશે.

આ દરમિયાન બીસીસીઆઇએ વિદાય લઈ રહેલા ચીફ સિલેક્ટર અજિત અગરકરનાં પ્રદાનની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. જુલાઈ 2023માં જવાબદારી સંભાળ્યા બાદ અગરકરનો કાર્યકાળ ભારતીય ક્રિકેટ માટે સુવર્ણ સાબિત થયો હતો. તેમનાં નેતૃત્વ હેઠળ પસંદ કરાયેલી ટીમોએ ત્રણ આઇસીસી ટ્રોફી, બે એશિયા કપ અને સતત બે એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતીને વિશ્વ ક્રિકેટમાં ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક