• રવિવાર, 01 નવેમ્બર, 2026

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો દ્વારકા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ

ઉપલેટા પંથકમા ખેતરોમાં લણીને રાખેલી મગફળી, સોયાબીન અને કપાસનો પાક સંપૂર્ણપણે પલળી ગયા

રાજકોટ, તા. 31

 દિવાળીના દિવસો પહેલા શિયાળાની ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે, હાલમા આવી ઠંડીનો જ અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આ ઠંડક શિયાળા પહેલાની નહી પરંતુ કમોસમી વરસાદને કારણે અનુભવાઈ રહી છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે અને છુટાછવાયા સ્થળે માવઠું વરસ્યું છે. દ્વારકા પંથકમાં તો કરા સાથે માવઠું વરસ્યાના વાવડ છે.

ખંભાળિયા : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ભારે પવન, વાવાઝોડા અને કરા સાથે ધોધમાર માવઠું વરસ્યું છે. કલ્યાણપુર તાલુકાના ખખરડા, ભાટિયા, રાજપરા, કેનેડી તથા પટેલકા અને ખંભાળિયા તાલુકાના ભાડથર, ગોલાણ શેરડી, કેશોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ખાબકેલા આ વરસાદને કારણે ખેતરો પાણી-પાણી થઈ ગયા છે અને ધોધમાર પાણી વહેતા થયા છે. માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. એક તરફ વિસ્તારમાં પહેલેથી જ દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે વરસાદની આ આફત માત્ર પાક પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ પશુઓના નિભાવ માટે રાખવામાં આવેલા ઘાસચારાના જથ્થાને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

પોરબંદર : પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના રાણાવાવથી લઈને રાણા કંડોરણા સુધીના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ભોદ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. ભોદ ગામની વાડીઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્યારે ખેતરોમાં કોઈ ઉભો પાક ન હોવાથી ખેડૂતોને પાક નુકસાનીની કોઈ ચિંતા નથી, પરંતુ ખેતરો  જળબંબાકાર બનતા વાડી વિસ્તારમાં પાણી ભરાયા છે.

 ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ હાથતાળી આપી હતી. હવે ચોમાસું પૂરું થયા બાદ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેતરો અત્યારે ખાલી હોવાથી આ વરસાદ ખેતરની જમીન માટે ફાયદાકારક સાબિત થશે અને જમીનમાં ભેજ જળવાઈ રહેશે, જે આગામી રવી પાક માટે ખૂબ જ ઉપયોગી થશે. આ કમોસમી વરસાદે ખેડૂતોમાં એક આશા જગાવી છે.

ઉપલેટા :  ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં આજે સતત બીજા દિવસે શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બપોર બાદ ગાજવીજ તથા તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત બીજા દિવસે પડેલા ભારે વરસાદને કારણે ઉપલેટાના મુખ્ય બજારો, બસ સ્ટેન્ડ રોડ અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે. માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  બીજી તરફ આ માવઠાએ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો. સતત બીજા દિવસના માવઠાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ખેતરોમાં લણીને રાખેલી મગફળી, સોયાબીન અને કપાસનો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક કહોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબકતા બજારોમાં દિવાળીની ખરીદી કરવા નીકળેલા લોકો અટવાયા હતા. વેપારીઓનો માલ પલળી જતાં અને ગ્રાહકોની અવરજવર ઘટતાં સ્થાનિક વેપાર-ધંધાને ફટકો પડ્યો છે.

  ભાટીયા : ભાટીયા તેમજ નંદાણા, કેનેડી સહિતના વિસ્તારમા ભારે પવન સાથે અડધો ઈંચ જેટલો કમોસમી વરસાદ વરસી ગયો હતો. અને રસ્તા પર પાણી વહેતા થવા સાથે વાતાવરણમાં ઠંડક અને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક