• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

સોમનાથમાં નોનવેજના વેચાણ પરનો પ્રતિબંધ યથાવત્

સિંગલ જજે નોનવેજ વેચાણ પર પ્રતિબંધના જાહેરનામાને રદ કર્યો, સરકારે તાત્કાલિક અપીલ દાખલ કરી : ડબલ જજની બેન્ચે યથાવત્ રાખ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.30: ગુજરાત હાઈકોર્ટમાં સોમનાથ મંદિરની આસપાસ નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના મામલે આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા 10 ઓગસ્ટના રોજ ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને રદ કરતો હુકમ કરાયો હતો. જોકે, રાજ્ય સરકારે સિંગલ જજના આ હુકમ સામે તાત્કાલિક અપીલ દાખલ કરતાં એક્ટિગ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે હાલ પૂરતી પ્રતિબંધની સ્થિતિ યથાવત્ રાખવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરકારે સિંગલ જજના હુકમ સામે અપીલ કરવા માટે અગાઉ સાત દિવસનો સ્ટે માંગ્યો હતો. જોકે, કોર્ટે આ માગણી સ્વીકારી નહોતી. ત્યારબાદ સરકારે બે દિવસનો સ્ટે આપવા પણ રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે તે         પણ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આ મામલો અરજદારોની રોજીરોટી અને આજીવિકા સાથે સંકળાયેલો છે. સિંગલ જજના ચુકાદા બાદ મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્ક તાત્કાલિક ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ સમક્ષ પહોંચ્યા હતા. તેમણે ચુકાદાને પડકારવા માટે તાત્કાલિક સુનાવણી યોજવાની માગણી કરી હતી. તેમણે સરકારનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે સોમનાથ દેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉની સુનાવણીમાં પણ જી.એચ. વિર્કે દલીલ કરી હતી કે સોમનાથને માત્ર વ્યાપારી વિસ્તાર તરીકે જોઈ શકાય નહીં અને તીર્થસ્થાનની ધાર્મિક ગરિમા જાળવવી જરૂરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક