મંડળીનું દેવું અને પરિવારનાં ભરણપોષણની ચિંતામાં જીવન ટૂંકાવી લીધું : ખેતરમાં કશું જ ન પાકતા બળદ ગૌશાળામાં મૂકવા પડયા’તા
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.30 : ગુજરાત સરકારે
4 દિવસ પહેલાં જ રાજ્યના 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા તેવામાં જામનગરના
જોડિયા તાલુકાનાં વાવડી ગામે એક ખેડૂતે પાક નિષ્ફળ જતા અને આર્થિક ભીંસનાં કારણે વાડીમાં
જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
જોડીયાના વાવડી ગામે રહેતા
47 વર્ષીય ખેડૂત હેમંત મકવાણાએ આત્મહત્યા કરી છે. ચાલુ વર્ષે નબળા ચોમાસાના લીધે મગફળીનો
પાક નિષ્ફળ જતાં અને મંડળીનાં ધિરાણના દેવાના તણાવમાં તેમણે આ પગલું
ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું
છે. પશુઓ માટે નીરણ ન હોવાથી તેમણે અગાઉ પોતાના બળદ પણ આશ્રમમાં મૂકવા પડયા હતા. મૃતક
ખેડૂત હેમંતભાઈના માથે મંડળીના ધિરાણનું દેવું હતું અને બીજી તરફ પરિવાર તેમજ નાના-નાના
સંતાનોનાં ભરણપોષણની સતત ચિંતા તેમને સતાવી રહી હતી. ખેતરમાં કશું ન પાકતા પશુઓને નીરણ
પૂરું પાડવાના પણ ફાંફાં ઊભા થયા હતા. આ પરિસ્થિતિનાં કારણે તેમણે થોડા સમય પહેલાં
પોતાના બે બળદ સદ્ભાવના આશ્રમ ખાતે મૂકવા પડયા હતા. સતત વધતી આર્થિક ભીંસ અને માનસિક
તણાવ સહન ન થતાં અંતે તેમણે આ પગલું ભર્યું હતું. બનાવ અંગે મૃતકના નાના ભાઈ રાજુભાઈ
મકવાણાએ જણાવ્યું હતું કે, પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને આખું વર્ષ કેમ પૂરું
કરવું તેની ચિંતામાં હેમંત ભાઈએ તા.29ની રાત્રે વાડીએ જઈને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.