• રવિવાર, 08 નવેમ્બર, 2026

શેર - કોમોડિટીઝમાં આજે મુહૂર્ત ટ્રાડિંગ : મગફળીના સોદા થશે

ક્ષ          બપોરે શેરબજાર અને કોમોડિટીઝ એક્સચેન્જમાં અને સાંજે હાજર બજારમાં સોદા

રાજકોટ, તા.7(ફૂલછાબ ન્યૂઝ) : દિવાળીનાં મુહૂર્ત પૂર્વે કોમોડિટીઝ બજારમાં કામકાજો સ્થગિત થઈ ગયા હતા. માર્કેટ યાર્ડ શુક્રવારથી બંધ થઈ ગયા છે, જ્યાં હવે લાભપાંચમે મુહૂર્ત થશે. જોકે વાયદા અને હાજર બજારમાં દિવાળીના દિવસે અર્થાત્ આવતીકાલે કામકાજ થવાનાં છે.

બીએસઇ અને એનએસઇ પર 2.05 વાગ્યાથી પ્રિઓપન સેશન શરૂ થશે. જે 2.10 સુધી ચાલશે. 2.15થી 2.17 સુધી માચિંગ ઓર્ડર થશે અને 2.20થી 3.30 સુધી ટ્રાડિંગ થવાનું છે. કોમોડિઝ બજારોમાં એમસીએક્સ અને એનસીડેક્સમાં 2.05થી 2.20 સુધી પ્રિઓપન અને 2.20થી 3.30 સુધી નિયમિત ટ્રાડિંગ થવાનું છે.

હાજર બજારમાં મગફળી અને સીંગતેલના સોદા પર બજારનું ધ્યાન હોય છે. એમાં પાંચથી છ વાગ્યાના સમય દરમિયાન મુહૂર્ત ટ્રાડિંગની શરૂઆત થશે. મગફળીના સોદા ગયા વર્ષમાં બે લાખ ગુણી જેટલા થયા હતા. જોકે ચાલુ વર્ષમાં નબળાં ઉત્પાદન અને બજારમાં ખાસ્સો માલ દિવાળી પૂર્વે ઠલવાઈ ચૂક્યો હોવાથી મોટાં સોદા મુશ્કેલ છે. વળી, ભાવ ઊંચા છે અને ખેડૂતો આગળ જતા વધુ તેજીમાં હોવાથી માલ સ્ટોક મજબૂત ખેડૂતોની પકડમાં રહી શકે છે. ગયા વર્ષમાં મગફળીનો પાક આશરે 45-50 લાખ ટન ધારવામાં આવ્યો હતો. એની તુલનાએ આ વર્ષે 28થી 32 લાખ ટન સુધીના અંદાજો મુકાયા છે. ગયાં વર્ષમાં રૂ. 1150-1300માં મુહૂર્ત થયા હતા. આ વર્ષે ભાવ ઊંચા છે એટલે ખાસ્સા ઊંચા ભાવમાં સોદા પડશે.

સીંગતેલનો ભાવ પણ ઊંચો છે. બંધ બજારમાં રૂ.1800નો ભાવ શનિવારે બોલાતો હતો. જોકે આવતીકાલે દિવાળીએ બપોર પછી રૂ. 1821માં સીંગતેલ લૂઝના સોદા પડવાની ધારણા છે જ્યારે કપાસિયા વોશમાં રૂ.1381માં સોદા પડી શકે છે. પામતેલમાં બંધ બજારે રૂ.1305-1310 અને સોયાતેલમાં રૂ.1375-1380ના ભાવ રહ્યા હતા.

શનિવારે સીંગતેલમાં ડબે રૂ. 10નો વધારો થતા ડબે રૂ. 3040-3090 રહ્યા હતા. કપાસિયા તેલમાં ડબે રૂ. 10 વધીને રૂ. 2540-2600 હતા. સંકર રૂની ગાંસડીમાં રૂ. 66,000-66,200 રહ્યા હતા. સોનાના ભાવ વિશ્વ બજારમાં શનિવારે 4072 ડોલરના સ્તરે રહ્યા હતા. જ્યારે ચાંદી 51.82 ડોલર રહી હતી. રાજકોટમાં શનિવારે 24 કેરેટ શુદ્ધ સોનું રૂ. 1,45,600 અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 300 વધીને રૂ. 1,86,500 રહ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક