• રવિવાર, 08 નવેમ્બર, 2026

દીવાના ઝગમગાટ, રંગોળીની રંગત, આતશબાજી સાથે આજે થશે પ્રકાશપર્વની પરંપરાગત ઉજવણી

દીપાવલીના રંગે રંગાયું સૌરાષ્ટ્ર : ફટાકડા, મીઠાઈ-નાસ્તા, રંગોળી અને ઘરવખરીની ખરીદીથી બજારોમાં ભારે રોનક; નવા વસ્ત્રો અને શણગારની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ

 

રાજકોટ, તા.7 : સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે પરંપરાગત હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે દીપાવલીના પર્વની ઉજવણી કરવામાં આવશે. પ્રકાશના આ પર્વને આવકારવા સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘરઆંગણે દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરી, ફટાકડા ફોડી અને પરિવારજનો સાથે મીઠાઈ-નાસ્તાની મોજ માણીને દિવાળીની ઉજવણી કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે.

દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાના-મોટા શહેરો અને મહાનગરોની બજારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખરીદીની ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને ફટાકડાની દુકાનોમાં બાળકો અને યુવાનોની ભીડ ઉમટી રહી છે. ઉપરાંત ચીરોડી રંગ, રંગોળી માટેના રંગો, દીવડા, લાઇટિંગ અને સજાવટની વિવિધ સામગ્રીની ખરીદી પણ પૂરજોશમાં ચાલી રહી છે. લોકો ઘરની સાફસફાઈ અને શણગારને પણ વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે. ઘરવખરીની વસ્તુઓ, સુશોભનની ચીજવસ્તુઓ, તોરણ, રંગબેરંગી લાઇટ્સ સહિતની વસ્તુઓની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. સાથે જ મીઠાઈ, વિવિધ પ્રકારના નાસ્તા, ફરસાણ અને મુખવાસની દુકાનોમાં પણ ગ્રાહકોની અવરજવર વધી છે.

તહેવાર નિમિત્તે નવા કપડાં ખરીદવાની પરંપરાને જાળવી રાખતાં પરિવારજનો બાળકો સહિત સૌ માટે નવાં વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે. વેપારીઓ માટે પણ દિવાળીની ખરીદીથી સારો વેપાર થવાની આશા છે. નવા વર્ષના આગમનને આવકારવા કેલેન્ડર અને ડટ્ટાની ખરીદી પણ થઈ રહી છે. દીપાવલીના પર્વને વધાવવા સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહ અને ઉમંગનો (જુઓ પાનું 10)

માહોલ છવાયો છે. આવતીકાલે દીવડાઓના ઝગમગાટ, રંગોળીની રંગત અને આતશબાજી વચ્ચે પ્રકાશપર્વની પરંપરાગત ઉજવણી થશે. ઘર-ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે લોકો દિવાળીના પર્વને યાદગાર બનાવશે.

ઇ-પેપરના નવા શુલ્ક