• રવિવાર, 08 નવેમ્બર, 2026

ન્યૂઝીલેન્ડ સામે લો-સ્કારિંગ મેચમાં DLS નિયમથી ભારતની 4 રને જીત

શ્રેણીમાં 2-0ની લીડ : ન્યૂઝીલેન્ડ માત્ર 134 રનમાં ઓલઆઉટ થયું, ભારતે 7 વિકેટે 113 રન બનાવ્યા

 વાલિંગ્ટન, તા.7 : વરસાદના સતત વિઘ્ન વચ્ચે રમાયેલી લો-સ્કારિંગ થ્રિલર મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (ડીએલએસ) પદ્ધતિ હેઠળ 4 રને પરાજય આપી પાંચ મેચોની વન-ડે શ્રેણીમાં 2-0થી મજબૂત સરસાઈ મેળવી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડને માત્ર 134 રનમાં ઓલઆઉટ કરી જીતનો પાયો નાખ્યો હતો.

વરસાદને પગલે 47 ઓવરની કરાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ હારીને બાટિંગ કરતાં ધબડકો અનુભવ્યો હતો. ડેરિલ મિશેલે લડાયક 55 રન બનાવ્યા પરંતુ અન્ય બેટ્સમેનો ટકી શક્યા નહીં. ભારત તરફથી ગુરનૂર બ્રારે 30 રનમાં 4 વિકેટ ઝડપી હતી જ્યારે આકિબ નબી, અંશુલ કમ્બોજ અને અક્ષર પટેલે બે-બે વિકેટ પોતાના નામે કરી હતી. નબી માટે ટિમ સીફર્ટની વિકેટ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ રહી હતી.

 જવાબમાં 135 રનના સુધારેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નબળી રહી હતી. જેકબ ડફીએ પ્રથમ જ બોલે શુભમન ગિલને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો અને ત્યારબાદ વિરાટ કોહલીને આઉટ કરી દબાણ સર્જ્યું. કાઇલ જેમિસનના સચોટ સ્પેલ સામે ભારતીય ટોપ ઓર્ડર ધ્વસ્ત થતાં સ્કોર 47 રને 4 વિકેટ થઈ ગયો હતો. આ કટોકટીની ઘડીમાં શ્રેયસ ઐયરે 30 રન અને કે. એલ. રાહુલે 26 રન ફટકારી મોરચો સંભાળ્યો હતો. નિયમિત અંતરે વિકેટો પડતાં ભારતનો સ્કોર 24.3 ઓવરમાં 113/7 પર પહોંચ્યો ત્યારે ફરી મૂશળધાર વરસાદ તૂટી પડયો હતો. નિર્ધારિત સમય સુધી રમત શરૂ ન થઈ શકતાં તે તબક્કે ભારતનો ડીએલએસ પાર સ્કોર 109 રન હતો. ભારતીય ટીમ પાર સ્કોર કરતાં 4 રન આગળ હોવાથી અમ્પાયરોએ ભારતને વિજેતા જાહેર કર્યું હતું.

ન્યૂઝીલેન્ડ સામે વિરાટના સૌથી વધુ રન, રોહિત શર્માના સર્વાધિક છગ્ગા

ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડેમાં રોહિત શર્મા 23 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો, પરંતુ આ ઇનિંગ્સ દરમિયાન તે કીવી ટીમ સામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેન બની ગયો છે. રોહિતે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના 50 સિક્સરના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. હવે 51 સિક્સર સાથે ‘િહટમેન’ આ યાદીમાં મોખરે છે. બીજી તરફ, વિરાટ કોહલી માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. તેમ છતાં તેણે ન્યૂઝીલેન્ડ સામે વન-ડેમાં સર્વાધિક રન બનાવવાનો નવો કીર્તિમાન રચ્યો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના 1971 રનના રેકોર્ડને તોડી 1978 રન પોતાનાં નામે નોંધાવ્યાં છે. ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ વન-ડે રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હવે ત્રીજા ક્રમે આવી ગયા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક