• બુધવાર, 25 નવેમ્બર, 2026

‘નકલી દેવી-દેવતાઓની પૂજા કરવાનું ટાળવું જોઈએ’

 

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ શાસ્ત્રોથી વિપરીત ઊભા કરાયેલા નવા દેવી-દેવતાઓની પૂજા પર આકરા પ્રહારો કર્યા

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 24: અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ સનાતન ધર્મ, શાસ્ત્રીય પરંપરા અને દેવી-દેવતાઓની ઉપાસનાને લઈને અત્યંત સૂચક અને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કોઈપણ સંપ્રદાયનું નામ લીધા વિના તેમણે શાસ્ત્રોથી વિપરીત ઊભા કરાયેલા નવા દેવી-દેવતાઓની પૂજા પર આકરા પ્રહારો કર્યા હતા અને હિંદુ સમાજને પોતાના પૂર્વજોની મૂળ વૈદિક પરંપરા તરફ વળવા આહ્વાન કર્યું હતું.

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સનાતન ધર્માવલંબીઓએ બનાવટી કે નકલી દેવી-દેવતાઓને ભગવાન માનીને તેમની પૂજા કરવાનું ટાળવું જોઈએ. આવા કાલ્પનિક દેવી-દેવતાઓને મુંબઈના બોલિવૂડે ઊભા કર્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણા પિતા, દાદા, નાના અને અગાઉની પેઢીઓ જે દેવી-દેવતાઓની આરાધના કરતા આવ્યા છે, તે જ આપણી સાચી પરંપરા છે. શાસ્ત્રો અને પુરાણોમાં જેનો કોઈ ઉલ્લેખ નથી તેવા નવા દેવી-દેવતાઓની ઉપાસના કરવાની કોઈ આવશ્યકતા નથી, તેથી દરેક વ્યક્તિને પોતાના મૂળ ધર્મનું સાચું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે.

મૂળ ધર્મગ્રંથોનું મહત્ત્વ સમજાવતા તેમણે ગંગા નદીની ધારાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જે રીતે ગંગાની મૂળ ધારા ગંગાસાગરમાં મળે છે અને તેમાં ગમે ત્યાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, તે જ રીતે ભક્તોએ આમતેમ ભટક્યા વિના સનાતન ધર્મની મૂળ ધારાને વળગી રહેવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, અઢાર પુરાણ અને ચાર વેદ જ આપણા પ્રમાણભૂત ગ્રંથો છે. આ સિવાયના નવા-નવા લખાણો ઉમેરીને ધર્મમાં દૂધમાં પાણી ભેળવવા  જેવી પ્રવૃત્તિ થઈ રહી છે, જેની સામે તેમણે સમાજને ભવિષ્ય માટે ચેતવણી આપી હતી.

પોતાના સંબોધનના અંતે શંકરાચાર્યજીએ હિંદુ અને સનાતન ધર્માવલંબીની સ્પષ્ટ વ્યાખ્યા આપી હતી. તેમણે જણાવ્યું કે જે વ્યક્તિ પંચદેવ અને શિવ-શક્તિની ઉપાસના કરે છે, વૈદિક ધર્મશાસ્ત્રોને માને છે તથા ભગવાન દ્વારકાધીશ, ચારેય ધામ, સોમનાથ દાદા, નવદુર્ગા, દસ મહાવિદ્યા, મા ઉમિયા, અંબાજી, આશાપુરા અને પોતાના કુળદેવી-કુળદેવતામાં શ્રદ્ધા ધરાવે છે, તે જ સાચો હિંદુ છે અને આ જ સાચા હિંદુત્વના લક્ષણો છે.

ઇ-પેપરના નવા શુલ્ક