માળિયા
હાટીના-સાસણ રોડ પર બે બાઈક સામસામે અથડાયાં; અન્ય યુવાનને જૂનાગઢ ખસેડાયો
(ફૂલછાબ
ન્યુઝ)
માળિયા
હાટીના, તા.24: માળિયા હાટીના શહેરમાં ગઈકાલે રાત્રે નવ વાગ્યાના અરસામાં લોહાણા મહાજન
વાડી પાછળ સાસણ રોડ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સામસામે બાઈક અથડાતાં
એક યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને ગંભીર હાલતમાં
વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન
ભારતીય આર્મીમાં ફરજ બજાવતો હતો અને આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના લગ્ન હોવાથી ખરીદી
માટે વતન આવ્યો હતો. લગ્નની તૈયારીઓ વચ્ચે બનેલી આ દુર્ઘટનાથી પરિવારમાં શોક છવાયો
છે.
અકસ્મતમાં
વડાળા ગામના દિગ્વિજયાસિંહ બહાદુરભાઈ સિસોદિયા (ઉં.વ.22)નું મૃત્યુ થયું હતું, જ્યારે
આંબેચા ગામના રાજવીર સોનાભાઈ ભલગરિયા (ઉં.વ.19)ને ઈજા પહોંચતાં સારવાર માટે જૂનાગઢ
ખસેડાયા છે. દિગ્વિજયાસિંહ લગ્નની ખરીદી પૂર્ણ કરી બાઈકમાં પેટ્રોલ પુરાવવા જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા રાજવીરના
બાઈક સાથે પેટ્રોલ પંપ પાસે ટક્કર થઈ હતી. બંનેને આકાળા ગામના બહાદુરાસિંહ કાગડાએ સરકારી
હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તબીબે દિગ્વિજયાસિંહને મૃત જાહેર કર્યા હતા. રાજવીર
મેટોડાની ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે અને રજામાં વતન આવ્યો હતો. બનાવથી દરબાર સમાજમાં
ઘેરા શોકની લાગણી પ્રસરી છે.