• બુધવાર, 25 નવેમ્બર, 2026

‘હત્યા થઈ શકે એટલે જાણી જોઈને હટાવાઈ હતી રાજીવ ગાંધીની સુરક્ષા’

-રાહુલ ગાંધીનો દાવો : બિહારનાં પ્રવાસ પછી રાહુલે સોનિયાને કહેલું, જો સુરક્ષા નહીં વધારાય તો અંતિમ સંસ્કારમાં જવાનો વખત આવશે

 

નવી દિલ્હી, તા.24: કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના પિતા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની સુરક્ષા જાણીજોઈને હટાવવામાં આવી હતી. તેમની હત્યા થઈ શકે એટલા માટે જ આવું કરવામાં આવ્યું હતું.

રાહુલે એક વીડિયોમાં માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી સાથે આ વાત કહી હતી. વીડિયોમાં તેઓ સોનિયા ગાંધીનાં પુસ્તક બિલોંગિંગ: એ જર્ની ઓફ લવ વિશે ચર્ચા કરતા જોવા મળે છે. આ પુસ્તકનું વિમોચન 16 નવેમ્બરે દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.

રાહુલે જણાવ્યું કે તેમણે પોતાની માતા સોનિયા ગાંધીને કહ્યું હતું કે જો પિતાની સુરક્ષા ફરીથી બહાલ કરવામાં નહીં આવે, તો તેમને ટૂંક સમયમાં જ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પાછા આવવું પડી શકે છે. રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરંબુદૂરમાં આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, રાહુલ તેમના પિતા સાથે બિહારના પ્રવાસે ગયા હતા. તેમણે આ પ્રવાસને અત્યંત ડરામણો ગણાવ્યો હતો. તે સમયે રાજીવ ગાંધી વિપક્ષના નેતા હતા. તેઓ ખુલ્લી જીપમાં મુસાફરી કરી રહ્યા હતા. લોકોએ તેમના પર પથ્થરો ફેંક્યા હતા. સોનિયાએ કહ્યું કે જો સુરક્ષાની વ્યવસ્થા યોગ્ય ન હોય અને કોઈ રાજ્યમાં ભાજપ અથવા વિપક્ષની સરકાર હોય, તો ત્યાં સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. આ પ્રવાસ પરથી ઘરે પાછા ફર્યા બાદ રાહુલે મને કહ્યું હતું, મમ્મી, જો આપણે પપ્પાની સુરક્ષા માટે કંઈ નહીં કરીએ, તો મને ખબર છે કે મારે બહુ જલદી તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવું પડશે. વાતચીત દરમિયાન રાહુલે બિહારના પ્રવાસને છેલ્લી ચેતવણી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ પહેલાં પણ તેઓ સુરક્ષાને લઈને પોતાની વાત સ્પષ્ટ કરી ચૂક્યા હતા.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી પિતા (રાજીવ ગાંધી)ની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત રહેતાં હતાં. સોનિયા ઘરની કાંટાળી તારની વાડ તપાસતાં હતાં. તેઓ એ પણ જોતા હતાં કે સુરક્ષાકર્મીઓ ઊંઘી તો નથી રહ્યા ને. પ્રિયંકાએ કહ્યું કે તેમનો રૂમ ઘરના આગળના ભાગમાં હતો. તેથી તેઓ પોતાના પિતાનાં પગલાંનો અવાજ સાંભળે ત્યાં સુધી ઊંઘતાં નહોતાં.  મને યાદ છે કે શાળામાં એક નાનો છોકરો મારી પાસે આવ્યો અને બોલ્યો કે તમારા કાકા (સંજય ગાંધી) જેલમાં છે, તમારા કાકા ચોર છે. આ સાંભળીને મેં તેને થપ્પડ મારી દીધી. ત્યારબાદ તે રડવા લાગ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક